• મંગળવાર, 14 મે, 2024

ડ્રગ્સબંદર: 600 કરોડના કેફીદ્રવ્યો સાથે 14 પાકિસ્તાની પકડાયા

પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ, NCB અને ATSનું ઓપરેશન: વડા પ્રધાનનાં ગુજરાતમાં આગમન પૂર્વે ડ્રગ્સનો જથ્થો ઝડપાતા તમામ એજન્સીઓ સતર્ક

પોરબંદર, તા.ર8 :  પોરબંદરના અરબી સમુદ્રમાંથી પાક બોટ મારફત ડ્રગ્સનો જંગી જથ્થો આવતો હોવાની બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાક બોટને ઝડપી લઈ રૂ.600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં વડા પ્રધાનનાં આગમન સમયે ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાતા તમામ એજન્સીઓએ તપાસમાં ઝૂકાવ્યું હતું અને સમગ્ર પ્રકરણના અંકોડા મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પોરબંદરના દરિયામાંથી પાક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો આવતો હોવાની માહિતીનાં પગલે કોસ્ટ ગાર્ડ અને એનસીબીનો સ્ટાફ સતર્ક બન્યો હતો અને આ ઓપરેશન પાર પાડવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડનાં જહાજો અને વિમાન સમવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યાં હતાં અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જહાજ રાજરતન, જેમાં એનસીબી અને એટીએસના અધિકારીઓ જોડાયા હતા અને દરિયામાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પાક બોટને ઝડપી લઈ તલાસી લેવામાં આવતા પાકની ફિશિંગ બોટમાંથી રૂ.600 કરોડનો 86 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો અને પાક બોટમાં રહેલા 14 ક્રૂ પાકિસ્તાનીને ઝડપી લીધા હતા. કોસ્ટ ગાર્ડ અને એનસીબી તેમજ એટીએસના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પકડાયેલા 14 પાકિસ્તાનીને પોરબંદર ખાતે લાવી 14 પાકિસ્તાનીની જુદા-જુદા અધિકારીઓ દ્વારા પૂછતાછ હાથ ધરવામાં આવી હતી તેમજ પોરબંદર એસઓજી દ્વારા પણ આ પાકિસ્તાનીઓની ક્રોસ પૂછપરછ હાથ  ધરવામાં આવી રહી છે અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાનું નામ ખૂલે તેવી શક્યતા જણાવાઈ રહી છે.

ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા ત્યારે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો અને આગામી દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય ત્યારે ફરીથી પોરબંદરના દરિયામાંથી 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી હતી.

ર30 કરોડનું ડ્રગ્સ પકડાયું’તું

ગુજરાત એટીએસ અને એનસીબીના અધિકારીઓ અને સ્ટાફે રાજસ્થાન અને ગાંધીનગર - અમરેલીમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ચાર સ્થળે દરોડા પાડી ર30 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લઈ રાજસ્થાન - ગાંધીનગરના સૂત્રધારો સહિત 13 શખસને ઝડપી લીધા હતા.

અનેક સુરક્ષા એજન્સીઓના અધિકારીઓના પોરબંદરમાં ધામા

પોરબંદરના દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે ત્યારે જુદી-જુદી સુરક્ષા એજન્સીઓએ પણ પોરબંદરમાં ધામા નાખ્યા છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, કોસ્ટ ગાર્ડ, આઇ.બી., સી.આઇ.ડી., નેવી, એન.સી.બી.(નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો) સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ સાથે પકડાયેલા શખસોની ઉંડાણથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બે મહિનામાં ત્રીજી વખત ડ્રગ્સ મળ્યું છે ત્યારે ડ્રગ્સ પેડલરો પાસેથી તમામ માહિતી ઓકાવવા સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે. 

ગુજરાતનો દરિયો નશીલા પદાર્થોની ઘૂસણખોરી માટે સ્વર્ગ સમાન

ભારતના દરિયા કિનારામાં ગુજરાતનો દરિયો કિનારો નશીલા પદાર્થોની ઘૂસણખોરી માટે સ્વર્ગ સમાન બની ગયો છે અને આ દરિયાઈ માર્ગે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું હોવાનું અને પકડાયું હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન ગુજરાતથી માત્ર 90 નોટિકલ માઇલ દૂર છે અને તેથી જ ભારત અને પાકિસ્તાનની દરિયાઈ જળસીમા નજીક આઇએમબીએલ પાસે ગુજરાતના દરિયામાંથી મોટા પાયા પર ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હોય તેવા અનેક બનાવો બની ચૂક્યા છે. અત્યારે વધુ એક વખત ડ્રગ્સ પકડાતા ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

વડા પ્રધાનનાં ગુજરાતમાં આવાગમન સમયે જ ડ્રગ્સ ઘુસાડવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ!

ફેબ્રુઆરી મહિનામાં જ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે હતા અને બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ જામનગર અને દ્વારકા સહિત રાજકોટ ખાતે વિવિધ આયોજનો હાથ ધર્યાં હતાં. વડા પ્રધાનના ગુજરાતમાં આગમન અને તેમના પરત ગયાના સમયગાળા દરમિયાન જ ગુજરાતના દરિયામાં ડ્રગ્સની હેરાફેરીના આ બનાવે અનેકવિધ ચર્ચાઓ જગાવી હતી, કારણ કે વડા પ્રધાન જેવા દરજ્જાની વ્યક્તિ જ્યારે ગુજરાતના પ્રવાસે હતી ત્યારે માત્ર ગુજરાતના રાજમાર્ગો જ નહીં પરંતુ દરિયાઇ જળસીમામાં પણ સુરક્ષા એજન્સીઓ સ્વાભાવિક રીતે વધુ એલર્ટ બનીને કાર્યવાહી કરતી હોય છે ત્યારે આવા સંજોગોમાં વડા પ્રધાનની ગુજરાતમાં ઉપસ્થિતિ આસપાસના સમયગાળા બાદ આ પ્રકારે નશીલા જથ્થાની હેરાફેરીનો બનાવ ગુજરાતના દરિયામાં બન્યો છે ત્યારે તે અંગે પણ અનેક વિધ ચર્ચાઓ જાગી હતી ત્યારે ફરીને બીજી વખત જ્યારે વડાપ્રધાન ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે ત્યારે જ પાકિસ્તાન દ્વારા આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક