• મંગળવાર, 21 મે, 2024

ડ્રગ્સબંદર : બીજા દિવસે 60 કરોડનું ચરસ પકડાયું

અરબી સમુદ્રમાંથી મહારાષ્ટ્રના બે પેડલર 173 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયા: પૂનાનો સૂત્રધાર અને માંડવીના વચેટિયાને પકડી લેવાયા

 

પોરબંદર, તા.ર9 : પોરબંદરના દરિયામાંથી એટીએસ અને એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા રવિવારે 14 પાકિસ્તાનીઓને 600 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈ સમગ્ર પ્રકરણનાં અંકોડા મેળવવા 14 શખસને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે એટીએસના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે અરબી સમુદ્રમાંથી એક બોટમાં નીકળેલા મહારાષ્ટ્રના બે શખસને રૂ.60 કરોડના 173 કિલો ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ પૂનાના સૂત્રધાર અને પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સપર્ક કરાવનાર માંડવીના વચેટીયાને પણ એટીએસએ ઝડપી લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, પોરબંદરના દરિયામાંથી કોસ્ટગાર્ડ, એટીએસ સહિતની મહત્વની સુરક્ષા એજન્સીઓ દ્વારા પાકિસ્તાની બોટમાંથી 14 પાકિસ્તાનીઓને રૂ.600 કરોડના  86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈ જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા પુછતાછ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન એટીએસના અધિકારીઓએ ચોક્કસ બાતમી મળી હતી કે, ત્રણ શખસ પાકિસ્તાનથી નાર્કેટીકસ ભરેલું કન્સાઈનમેન્ટ લાવવાની પેરવી કરવાના છે અને તા.રરના આ પૈકીના બે શખસ બોટમાં પાકિસ્તાન તરફ જવાના છે તેમજ તા.ર7 અને તા.ર8ના ગુજરાતના દરિયામાં ડ્રગ્સ લઈને પરત ફરશે અને ગુજરાતની બોટમાં ડ્રગ્સ લેવા માટે જવાના છે. આ બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડ અને નાર્કોટીકસ બ્યુરોના સંયુકત ઓપરેશન હેઠળ અરબી સમુદ્રમાંથી એક બોટને ઝડપી લેવામાં આવી હતી અને બોટની તલાસી લેતા તેમાંથી મહારાષ્ટ્રના મંગેશ તુકારામ અને હરીદાસ રામનાથ કુલાલને ઝડપી લીધા હતા અને બોટમાંથી રૂ.60 કરોડની કિંમતનું 173 કિલો ચરસનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો અને એટીએસ પોલીસ મથકમાં ગુનો  નોંધવામાં આવ્યો હતો.

આ મામલે રાજયના પોલીસવડા વિકાસ સહાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એટીએસના ઉચ્ચ અધિકારીને મળેલી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સમગ્ર રેકેટનું કેન્દ્ર બિંદુ દ્વારકા છે અને મહારાષ્ટ્રના ત્રણેય શખસો દ્વારા ગુજરાતની બોટનો ઉપયોગ કરવાના હોવાનું જાણવા મળ્યા બાદ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

એટીએસના અધિકારીઓ દ્વારા મંગેશ તુકારામ અને હરીદાસ રામનાથ કુલાલની આકરી પુછતાછ કરી હતી અને દ્વારકા નજીકના દરિયામાં નાની હોડી મારફતે દ્વારકા ખાતે ચોકકસ સ્થળે લેન્ડીગ કરવામાં આવશે. બાદમાં ત્યાંથી આગળ આ ચરસનો જથ્થો લઈ જવામાં આવશે. ડ્રગ્સ પેડલરોને ઝડપી લેવા માટેથી એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં ત્રણથી ચાર દિવસ રેકી કરવામાં આવી હતી અને બાદમાં ઓળખ મળ્યા બાદ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

એટીએસના અધિકારીઓની વધુ તપાસમાં બન્ને શખસોએ તેનો સાગરીત પુનામાં રહેતો કૈલાશ હોવાનું ખુલ્યું હતું અને એટીએસની એક ટીમ પુના પહોંચી હતી અને કૈલાશને ઝડપી લીધો હતો અને કૈલાશની પુછતાછમાં તેના દ્વારા સમગ્ર આયોજન ઘડવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું અને આ સમગ્ર ડ્રગ્સ પ્રકરણમાં  પાકિસ્તાનના  ડ્રગ માફિયા સાથે સંપર્ક કરાવનાર માંડવીનો અલીઅસગર હાલેપૌત્રા હોવાનું ખુલતા એટીએસએ અલીઅસગરને પણ ઝડપી લીધો હતો. મહારાષ્ટ્રનો હરીદાસ રામનાથ કુલાલ નામનો પેડલર મહારાષ્ટ્રમાં હત્યા સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું. એટીએસના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.

રાશન અને ફ્યૂઅલ પણ પાકિસ્તાનની બોટમાંથી અપાયું

દ્વારકાથી ડ્રગ્સ લેવા ગયેલ આ બોટમાં જ્યારે 110 નોટીકલ માઈલ દૂર દરિયામાં ડ્રગ્સ ભરવામાં આવ્યું ત્યારે રાશન, પાણી અને ફ્યૂઅલ પણ પાકિસ્તાનથી આવેલ કન્સાઈનમેન્ટમાંથી આ બોટને આપવામાં આવ્યું હતું. તેઓને ગુજરાતનો દરિયો નજીક પડે છે તેથી મહારાષ્ટ્રના આ શખ્સોએ ગુજરાતની બોટ ભાડે કરીને આ સમગ્ર રેકેટ તૈયાર કર્યુ હોવાનું સામે આવ્યું છે.

 

દ્વારકાથી બોટ કરી હતી ભાડે

મંગેશ તુકારામ, હરીદાસ રામનાથ અને કૈલાસ વગેરે ગુજરાતના દરિયાકાંઠે આવીને ચાર મહિનાથી રેકી કરતા હતા. કઈ જગ્યાએથી બોટ ભાડે મેળવવી ? અથવા વેચાતી લેવી તેની ગડમથલમાં હતા અને અંતે માંડવીના અલી અસગર હાલેપોત્રા સાથે સંપર્કમાં આવ્યા પછી દ્વારકાથી બોટને ભાડે કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

 

બોટના ટંડેલ અને બે ખલાસીઓને બનાવ્યા હતા બંદી

ડ્રગ્સ પેડલરો મંગેશ અને હરિદાસે દ્વારકાથી બોટ ભાડે કરી હતી તેમાં એક ટંડેલ અને અન્ય બે વ્યક્તિઓને ખલાસી તરીકે સાથે લીધા હતા અને પાકિસ્તાન નજીક પશનીથી 110 નોટીકલ માઈલ દૂર આ બોટને લઈ જવામાં આવી હતી અને ત્યાં પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલ ડ્રગ્સનો જથ્થો મધદરિયે આ બોટમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એ ત્રણેય ખલાસીઓનું શું થયું ? તે અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે. વિધિવત રીતે વધુ માહિતી જાહેર થઈ નથી.

 

કાલી ખજૂર અને સફેદ કાજુ જેવા કોડવર્ડથી કારસાનો પર્દાફાશ

 ભાર્ગવ પરીખ

ગુજરાત એટીએસને મળેલી માહિતીના આધારે કરોડોના ડ્રગ્સ સાથે પાકિસ્તાનીઓને પકડયા પછી ફરીથી એટીએસની બાતમીના આધારે ફરીથી દરિયામાંથી પોણા બસ્સો કિલો ડ્રગ્સ સાથે બે ભારતીય માછીમારની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને નાર્કોટિક્સ સેલે ગઈકાલે 600 કરોડનું ડ્રગ્સ પકડયું ત્યારે મેરિન રેડિયોથી આ પાકિસ્તાનીઓએ જેની સાથે સંપર્ક કર્યો હતો. એ નંબર ટ્રેસ કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં 60 હજારમાં ડ્રગ્સની ખેપ મારી ચૂકેલા 62 વર્ષના નાસિર હુસૈનને કોસ્ટગાર્ડે કરેલા ફાયારિંગમાં ઇજા થતાં એને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. ભાનમાં આવતાં ગુજરાત એટીએસ દ્વારા એની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેમાં એમના સંદેશામાં ‘કાલી ખજૂર’  બાદ ‘સફેદ કાજુ’ જેવા કોડવર્ડને ઉકેલવામાં મદદ લેવામાં આવી હતી. જેના આધારે ગુજરાત એટીએસે ઇન્ડિયન કોસ્ટગાર્ડને માહિતી આપતા આજે 173 કિલો ડ્રગ્સ સાથે બે ભારતીય માછીમારની ધરપકડ કરી છે.

તપાસ ચાલુ હોવાથી એટીએસના એક ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે નાસિર હુસૈનને ગોળી વાગ્યા પછી એને હોસ્પિટલમાં સારવાર આપી જેનાં કારણે એક સાયકોલોજિકલ સિમ્પથી મેળવી લીધી હતી. આ ઉપરાંત થોડા સમય પહેલાં ભારતીય નેવીએ સોમાલિયા ચાંચિયાઓના હાથમાં ફસાયેલા પાકિસ્તાની માછીમારોને છોડાવ્યાની વાત કહી, અમે એના દુશ્મન નહીં હોવાની ખાતરી કરાવી ત્યારે એ અમને સાથ આપવા તૈયાર થયો છે. જેના આધારે અમે ડ્રગ્સ માફિયાઓના ઘણા બધા કોડવર્ડ ઉકેલી નાખ્યા છે. તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો આપવાનો ઇન્કાર કરતા એમણે કહ્યું કે, દીવ પોરબંદર અને કચ્છના કેટલાક માછીમારો સાથે સંપર્કમાં છે અને મોટાભાગનો સામાન ગોસાબારામાં પહોંચાડવાનો હતો પણ અમે કોડવર્ડ ઉકેલી કોસ્ટ ગાર્ડને માહિતી આપતા 173 કિલો ડ્રગ્સ લઈ જઈ રહેલા બે માછીમારોની કોસ્ટગાર્ડે ઘરપકડ કરી છે. જેના આધારે અમે ડ્રગ્સ લાવતા માછીમારોની ધરપકડ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક