• મંગળવાર, 21 મે, 2024

મોદીને ચૂંટણી લડવા અયોગ્ય ઘોષિત કરવાની માગણી ફગાવાઈ

દિલ્હી હાઈકોર્ટે કહ્યું, ચૂંટણી પંચને કોર્ટ અલગથી આદેશ આપી ન શકે

 

નવી દિલ્હી, તા.29 : દિલ્હી હાઈકોર્ટે આદર્શ આચાર સંહિતાનાં ઉલ્લંઘન કરવાનો હવાલો આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરી દેવાની માગણી કરજી અરજી આજે ફગાવી દીધી હતી. અરજદાર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ઉત્તરપ્રદેશની એક ચૂંટણી સભામાં આચાર સંહિતા ભંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અરજી નકારી કાઢતા હાઈકોર્ટે કહ્યું હતું કે, તે ચૂંટણી પંચને આદેશ આપી શકે નહીં.

એડવોકેટ આનંદ એસ.જોંધલે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં વડાપ્રધાન મોદીને છ વર્ષની અવધિ માટે ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવવાની માગણી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં ન્યાયમૂર્તિ સચિન દત્તાની પીઠે કહ્યું હતું કે, અરજદાર પહેલાથી જ માની બેઠા છે કે આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે. કોર્ટ કોઈપણ ફરિયાદ ઉપર વિશેષ દૃષ્ટિકોણ અપનાવવા માટે ચૂંટણી પંચને નિર્દેશ જારી નથી કરી શકતી. અરજદાર પહેલા ચૂંટણી પંચનો સંપર્ક પણ કરી ચૂક્યા છે અને આયોગ તેની ફરિયાદ ઉપર સ્વતંત્ર વિચાર કરી શકે છે. જેને પગલે ચૂંટણી પંચ તરફથી પેશ થયેલા વકીલ સિદ્ધાંત કુમારે દલીલ આપી હતી કે, ફરિયાદનું સંજ્ઞાન લઈને કાર્યવાહી કરવામાં આવશે અને તે સંબંધમાં આવશ્યક આદેશ પણ જારી કરાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક