• બુધવાર, 22 મે, 2024

અમિત શાહના ફેક વીડિયો મામલે તેલંગણના ઈખને તેડું

દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને પહેલી મેના રોજ પૂછપરછ માટે બોલાવ્યા

 

નવી દિલ્હી, તા. 29 :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયો સંબંધિત કેસમાં દિલ્હી પોલીસે તેલંગણના સીએમ રેવંત રેડ્ડીને સમન મોકલ્યું છે. રેવંત રેડ્ડીને પહેલી મેચના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અમિત શાહનાં ભાષણનો ફેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપની સરકાર બનશે તો એસસી, એસટી અને ઓબીસી  અનામત રદ કરી દેવામાં આવશે. ફેક વીડિયો મામલે દિલ્હી પોલીસને ફરિયાદ મળી હતી. જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને હવે સમન પાઠવવામાં આવ્યું છે.

હકીકતમાં ગૃહમંત્રી અમિત શાહે મુસલમાનો માટે અનામત ખતમ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જો કે વીડિયોમાં ચેડાં કરીને એવું બતાવવાની કોશિશ કરવામાં આવી હતી કે તમામ વર્ગ માટેના અનામતને રદ કરી દેવામાં આવશે. આ પહેલાં ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયએ દાવો કર્યો હતો કે તેલંગણ કોંગ્રેસ અમિત શાહના ફેક વીડિયોને વાયરલ કરી રહી છે. જેનાથી હિંસા ભડકી શકે છે. આ મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે અને વીડિયોનાં મૂળ સુધી પહોંચવાની કોશિશ થઈ રહી છે. જે લોકોએ વીડિયો શેર કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવશે અને તેના માટે નોટિસ પણ મોકલવામાં આવશે.

ભાજપ અને કેન્દ્રીય ગૃહમંત્રાલયની ફરિયાદ ઉપર દિલ્હી પોલીસની સાઇબર શાખાના આઇએફએસઓએ એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક, ટ્વીટરના યુઝર્સ દ્વારા અમુક છેડછાડ કરવામાં આવેલા વીડિયો વાયરલ કરવામાં આવતા હોવાની જાણકારી મળી છે. આ ફરિયાદમાં વીડિયોની લિંક પણ જોડવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક