• શનિવાર, 18 મે, 2024

જો કોઈનું નામ રાહુલ ગાંધી હોય તો ચૂંટણી લડતા રોકી દેવા ? : સુપ્રીમ

સુપ્રીમે સમાન નામ ધરાવતા ઉમેદવારને ચૂંટણી લડતા રોકવાની માગ કરતી  અરજી ઉપર સુનાવણી કરવાનો ઈનકાર કર્યો

નવી દિલ્હી, તા. 3 : એક જેવા નામ ધરાવતા ઉમેદવારોને પ્રતિબંધિત કરવાની માગ કરતી અરજીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે જો બે ઉમેદવારોના નામ એક જેવા હોય તો તેને ચૂંટણી લડવાની રોકી શકાય નહીં. ચૂંટણીમાં સરખા નામ ધરાવતા ઉમેદવારો ઉપર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજી ફગાવતા સુપ્રીમે કહ્યું હતં કે જો રાજનીતિક નેતાઓના નામ ઉપર કોઈનું નામ હોય તો તેને ચૂંટણી લડતા કેવી રીતે રોકી શકાય ? જો કોઈનું નામ રાહુલ ગાંધી હોય તો શું તેને ચૂંટણી લડતા રોકી દેવામાં આવે ? આવી પ્રક્રિયાથી વ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન થશે.

સાબુ સ્ટિફન નામના શખસે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી હતી. જેમાં તર્ક આપવામાં આવ્યો હતો કે મતદાતાઓને ભ્રમિત કરવા માટે હાઈપ્રોફાઈલ બેઠક ઉપર સમાન નામ ધરાવતા ઉમેદવારને ઉભા કરવામાં આવે છે. આવા ઉમેદવારની હાજરીના કારણે દિગ્ગજ ઉમેદવારોને મામુલી અંતરની હારનો સામનો કરવો પડે છે. આ મામલે સુનાવણીનો ઈનકાર કરતા જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું હતું કે, જો માતા પિતાએ એક ઉમેદવારને બીજા ઉમેદવારને સમાન નામ આપ્યું છે તો તેને ચૂંટણી લડતા કેવી રીતે રોકવામાં આવે ? કોઈ રાહુલ ગાંધીના રૂપમાં પેદા થયું છે તો કોઈ લાલુ પ્રસાદના રૂપમાં પેદા થયું છે તો શું તેને ચૂંટણી લડતા રોકી દેવાશે ? આવી પ્રક્રિયાથી એક વ્યક્તિના અધિકારો ઉપર અસર થશે નહીં  ? આવી રીતે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી અને લાલુ પ્રસાદના નામનું ઉદાહરણ આપ્યું હતું.

હકીકતમાં એક સમાન નામ ધરાવતા ઉમેદવાર ઉતારવાની ચાલ જુની છે. જેનો મુખ્ય હેતુ મતદાતાઓને ભ્રમિત કરવાનો હોય છે. જેથી મત વહેંચાય અને પ્રભાવશાળી ઉમેદવારને નુકસાન પહોંચાડી શકાય. આવો એક મામલો તમિલનાડુની રામનાથપુરમ સીટનો છે. પૂર્વ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમને ઓપીએસના નામે ઓળખવામાં આવે છે. તેઓ અપક્ષ ઉમેદવાર છે. પૂર્વ અન્નાદ્રમુક નેતા ઉપરાંત અન્ય ચાર ઉમેદવારના નામ પણ પન્નીરસેલ્વમ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક