• શનિવાર, 18 મે, 2024

JDS  નેતા એચ ડી રેવન્નાની ધરપકડ : પુત્ર સામે લૂકઆઉટ નોટિસ

કર્ણાટક સેક્સકાંડ : પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પરિવાર પર જઈંઝનો સકંજો : 700 મહિલાએ પત્ર લખી રાષ્ટ્રીય મહિલા આયોગને ઢંઢોળ્યું : મુખ્ય આરોપી પ્રજવલને દબોચવા સીબીઆઇએ માગી ઇન્ટરપોલની મદદ 

બેંગ્લુરુ, તા.4 : કર્ણાટકના ચકચારી સેક્સ સ્કેન્ડલ મામલે એસઆઇટી (ખાસ તપાસ ટીમ) એ પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પુત્ર જેડીએસ નેતા એચડી રેવન્નાની ધરપકડ કરી છે. દેવેગૌડાના વિદેશ ફરાર પૌત્ર પ્રજવલને દબોચવા લૂકઆઉટ નોટિસ જારી કરી ઇન્ટરપોલની મદદ માગવામાં આવી છે.

સેંકડો મહિલાઓનાં યૌન શોષણ મામલે રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા તપાસ માટે એસઆઇટી ઘડવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી પ્રજવલ રેવન્ના છે. એચડી રેવન્ના સામે યૌન શોષણની પીડિત મહિલાના અપહરણ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ગત ગુરુવારે મૈસૂરમાં એક મહિલાનાં અપહરણના આરોપમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે રેવન્નાના ખાસ સતિશ બબન્નાને પકડવામાં આવ્યો હતો. બે વાર નોટિસ છતાં હાજર નહીં થતાં એસઆઇટીએ એચ ડી રેવન્નાની શનિવારે મોડી સાંજે ધરપકડ કરી હતી. ધરપકડથી બચવા તેમણે માગેલા આગોતરા જામીન કોર્ટે ફગાવી દીધા હતા.

આ પહેલા મહિલા અધિકાર સંગઠનોની 700 જેટલી મહિલાએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખી પ્રજવલ રેવન્ના અને એચડી રેવન્ના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી મહિલા આયોગને ઢંઢોળ્યું હતુ. પત્ર લખનાર મહિલાઓએ કથિત સેક્સકાંડ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગની નબળી પ્રતિક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે. મહિલા અધિકારો માટે લડતાં વિવિધ સંગઠનોએ પત્ર દ્વારા આયોગના ચેરમેનને ટાંકી પત્રમાં વ્યથા ઠાલવી પગલાં લેવા માગ કરી છે. બીજીતરફ આ મામલે તપાસ માટે ઘડવામાં આવેલી એસઆઇટી જેડીએસનેતા પ્રજવલ રેવન્નાના કથિત અશ્લીલ વીડિયોની તપાસ કરવા તેના પિતા એચ ડી રેવન્નાનાં નિવાસસ્થાને પહોંચી હતી. એસઆઇટીએ લૂકઆઉટ નોટિસ જારી કરી સીબીઆઈ દ્વારા પ્રજવલ વિરુદ્ધ ઇન્ટરપોલની મદદ માગી બ્લ્યૂ કોર્નર નોટિસની તજવીજ હાથ ધરાઈ છે. પ્રજવલના પિતા પર પણ યૌન ઉત્પીડન અને અપહરણનો આરોપ છે. એસઆઇટી પીડિત મહિલાને સાથે લઈને હાસન જિલ્લાના હોલેનારાસીપુરા સ્થિત રેવન્નાનાં નિવાસ સ્થાને પહોંચી હતી. પંચનામા બાદ પોલીસે સ્થળ પર પીડિતાનું નિવેદન નોંધ્યું હતું. એસઆઇટીએ પ્રજવલ વિરુદ્ધ બ્લ્યૂ કોર્નર નોટિસની માગ કરી છે. આ પહેલા પ્રજવલ રેવન્ના મામલે મુખ્યમંત્રીએ ટોચના પોલીસ અધિકારીઓ અને એસઆઇટી સાથે તાકીદની બેઠક યોજી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક