• શનિવાર, 18 મે, 2024

નિજ્જર હત્યાકાંડ : કેનેડામાં 3 સંદિગ્ધ ભારતીય ઝડપાયા

ભારત તરફ ફરી આંગળી ઉઠી : ખાલિસ્તાની આતંકીની હત્યામાં લાંબી

તપાસ બાદ 3ને પકડયા, બિશ્નોઈ ગેંગનું કનેક્શન, કેનેડાઈ નેતાએ સીધી રીતે ભારતને જવાબદાર ઠેરવ્યું, સંદિગ્ધોના ભારત સાથે સંબંધ અંગે તપાસ

 

ટોરન્ટો/નવી દિલ્હી, તા.4 : કેનેડા પોલીસે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે શુક્રવારે 3 શંકાસ્પદ શખસને ઝડપી લીધા હતા જે ત્રણેય ભારતીય હોવાનો દાવો કરાયો છે. કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર પહેલેથી જ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતી રહી છે. જેની પ્રતિક્રિયામાં ભારતે આવા આરોપ ફગાવી દીધા હતા. હવે કેનેડા પોલીસે જે ત્રણ સંદિગ્ધને પકડયા છે. તેનાં નામ કરણ બરાર (રર), કમલપ્રીત સિંહ (રર) અને કરણપ્રીત સિંહ (ર8) હોવાનું જાહેર કર્યું છે. પોલીસનો દાવો છે કે આ ત્રણેય શખસ 3થી પ વર્ષથી એડમોન્ટન, અલ્બર્ટામાં રહેતા હતા.

દરમિયાન કેનેડાના એક નેતાએ નિજ્જરની હત્યામાં ભારત સામે આંગળી ઉઠાવતા ફરી એકવાર બન્ને દેશના વણસેલા સંબંધો વધુ બગડે તેવી ભીતિ છે. કેનેડાઈ રાજનેતા જગમીતસિંહે ખુલ્લો આરોપ લગાવ્યો છે કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેનેડામાં ઝડપાયેલા ત્રણેય ભારતીયના સંપર્ક લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે છે. ત્રણેય ર0ર1માં હંગામી વિઝા પર કેનેડા ગયા હતા. કેનેડા પોલીસને શંકા છે કે, બિશ્નોઈ ગેંગનાં માધ્યમથી ભારતે નિજ્જરની હત્યા કરાવી હોઈ શકે છે. પોલીસે દાવો કર્યો છે કે ત્રણેયને પકડતાં પહેલા લાંબા સમય સુધી તેમના પર નજર રખાઈ હતી. બાકીના આરોપીઓને પણ ટૂંક સમયમાં પકડી લેવાશે.

રોયલ માઉન્ટ પોલીસે એક પત્રકાર પરિષદ યોજીને આ મામલે વિગતો જાહેર કરી હતી. ત્રણેય સંદિગ્ધ પર ફર્સ્ટ ડિગ્રી હત્યા, હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ છે. જો કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી પૂરપાર કરતાં કોઈ પુરાવા કેનેડાની સરકાર કે પોલીસ હજુ સુધી રજૂ કરી શકી નથી. ભારત સામે માત્ર શંકા વ્યક્ત કરાઈ રહી છે. કેનેડા પોલીસે એલાન કર્યું છે કે, ઝડપાયેલા ત્રણેયની ભારત સરકાર સાથે સંભવિત સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. નિજ્જર હત્યાકાંડ મામલે તપાસ માટે ઘડવામાં આવેલી ટીમ અનુસાર કેનેડાના સંબંધો ભારત સાથે છેલ્લાં કેટલાંક વર્ષમાં અત્યંત મુશ્કેલ રહયાં છે. કેનેડાના અધિકારીઓ મંદીપ મુકર, ડેવિડ ટેબૌલ અને બ્રાયન એડવર્ડસે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યું કે નિજ્જરની હત્યા મામલે 3 સંદિગ્ધને પકડવામાં આવ્યા છે. કેનેડા પોલીસ લાંબા સમયથી ત્રણેય પર નજર રાખી હતી. બાદમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરી ત્રણેયને ડિટેઇન કર્યા હતા. ત્રણેયને ભારતીય મૂળના કેનેડાઈ ગણાવાયા છે. કેનેડાઈ પોલીસે કહ્યંy કે, અમે ભારતની સમકક્ષ એજન્સીઓના સંપર્કમાં છીએ. ત્રણેય આરોપીના ભારત સાતે કનેક્શન અંગે તપાસ ચાલુ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક