• શનિવાર, 18 મે, 2024

નિંભર નેપાળ : નવા નકશામાં ભારતના ભાગો !

100 રૂપિયાની નોટ પર નકશો છાપવામાં આવશે; ચીન તરફી ઓલી સત્તામાં આવ્યા પછી નિર્ણય

 

કાઠમંડુ, તા. 4 : નેપાળમાં 100 રૂપિયાની નવી નોટો છાપવામાં આવશે, તેના પર દેશનો નકશો પણ હશે. આ નકશામાં તે વિસ્તારો પણ દર્શાવવામાં આવશે જે ભારત પોતાનો હોવાનો દાવો કરે છે, જેમાં લિપુલેખ, લિમ્પિયાધૂરા અને કાલાપાનીનો સમાવેશ થાય છે.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની આગેવાની હેઠળની બેઠક દરમ્યાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા રેખા શર્માએ કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે, 25 એપ્રિલ અને બે મેના મળેલી બેઠકમાં 100 રૂપિયાની નોટને ફરીથી ડિઝાઇન કરવા પર સહમતિ બની હતી.

ખાસ વાત એ છે કે, વડાપ્રધાન પ્રચંડે માર્ચમાં જ નેપાળી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન તોડીને સીપીએન-યુએમએલ પાર્ટી સાથે મળીને સરકાર બનાવી હતી. આ પાર્ટીના નેતા કેપી શર્મા ઓલી છે, જે ચીનના સમર્થક હોવાનું કહેવાય છે.

નેપાળે 18 જૂન 2020ના દેશનો નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો, જેમાં લિપુલેખ, લિમ્પિયાધૂરા અને કાલાપાની નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ માટે નેપાળનાં બંધારણમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. ભારત સરકારે નેપાળના આ પગલાંને એકપક્ષીય ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.

ભારત હજુ પણ આ ત્રણેય વિસ્તારને પોતાનો પ્રદેશ કહે છે. બંને દેશ લગભગ 1850 કિમીની સરહદ વહેંચે છે, તે ભારતના 5ાંચ રાજ્યમાંથી પસાર થાય છે-સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ.

ભારત, નેપાળ અને ચીનની સરહદે આવેલા આ વિસ્તારમાં હિમાલયની નદીઓ દ્વારા રચાયેલી એક ખીણ છે, જે નેપાળ અને ભારતમાં વહેતી કાલી અથવા મહાકાલી નદીનું મૂળ છે. આ વિસ્તારને કાલાપાની પણ કહેવામાં આવે છે. લિપુલેખપાસ પણ અહીં છે. અહીંથી ઉત્તર-પશ્ચિમ તરફ થોડાં અંતરે એક બીજો પાસ છે, જેને લિમ્પિયાધૂરા કહે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક