• શનિવાર, 18 મે, 2024

બહુ ન વાગેલા ચૂંટણી પ્રચાર પડઘમ આજથી શાંત

ભાજપમાં રુપાલા વિવાદ અને આંતરકલહથી થોડી ચિંતાનો માહોલ : કોંગ્રેસ માટે વકરો એટલો નફો - જેવી સ્થિતિ

 

અમદાવાદ,તા.4 : ગુજરાતમાં સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ હવે લોકસભાની 25 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા-ચૂંટણી અંતર્ગત આગામી તા.7મીએ મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. પરિણામે નિયમ પ્રમાણે, આવતીકાલે તા.5મી મેના રવિવારે સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર ચાલુ રહેશે અને 6 વાગ્યા બાદથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 

લોકસભા ચૂંટણીની જાહેરાત ગત 16મી માર્ચે કરાયા બાદ 12મી એપ્રિલે જાહેરનામુ બહાર પડ્યું હતું અને ઉમેદવારીપત્રો ભરવાની, ઉમેદવારીપત્રોની ચકાસણી અને પરત ખેંચવા સુધીની સમગ્ર પ્રક્રિયા 22મીએ પૂરી થયા બાદ રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે 266 અને વિધાનસભાની ચૂંટણી માટે 24 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યાં હતા. તમામ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા ભરપૂર ચૂંટણી પ્રચાર કરાયો હતો. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પાટણ અને પ્રિયંક વાડ્રાએ વલસાડ અને બનાસકાંઠા બેઠક માટે વિશાળ રેલીઓને સંબોધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ ખડગે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ અશોક ગેહલોત પણ ગુજરાતમાં સભાઓ સંબોધી ગયા છે. જ્યારે ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમ્યાન 6થી વધુ સભાઓને ગજવી હતી. તો કેન્દ્રિય મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમન સહિતના રાષ્ટ્રિય સ્ટાર પ્રચારકોએ પણ ભરપૂર પ્રચાર કર્યો હતો.

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા-ચૂંટણીઓમાં તમામ 266 ઉમેદવારોને 23મી એપ્રિલથી 5મી મે સુધી માત્ર 13 દિવસ ચૂંટણી પ્રચાર માટે મળ્યા છે. આ દિવસો દરમ્યાન ચૂંટણી પંચની ટીમોએ પણ જડબેસલાક કામગીરી બજવીને રાજકીય પક્ષો, તેમના ઉમેદવારો, કાર્યકરો, ચૂંટણી પ્રચાર પર પણ બાજનજર રાખી હતી. આ સમયગાળા દરમ્યાન ચૂંટણી પંચ સમક્ષ સંખ્યાબંધ આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધાઈ હતી અને તેનો નિયમાનુસાર નિકાલ પણ કરાયો હતો. હવે આવતીકાલે 5મીના સાંજે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા બાદ ચૂંટણી પંચ, રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો માટે ખરી કામગીરી શરુ થશે. દરેક મત-વિસ્તારમાં ચૂંટણી જીતવા માટે ઉમેદવારો જે તે જાતિ-જ્ઞાતિના અગ્રણીઓને મળીને, તેમની સાથે બેઠકો યોજીને કે પછી શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને પણ ચૂંટણી જીતવા પ્રયત્નો કરાશે.

ગત 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ કે મોદી તરફી અસામાન્ય લહેરના કારણે ભાજપને ગુજરાતની તમામ 26માંથી 26 બેઠકો વિજય પ્રાપ્ત થયો હતો. આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએની 400 પાર અને ભાજપને 370 બેઠકો સાથે લોકસભામાં જીતની ભવ્ય હેટ્રિક મારવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. આ સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ રાજ્યની તમામ બેઠકો 5 લાખની લીડ સાથે જીતવા આહ્વાન કર્યું હતું, પણ રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપના ધૂરંધર ઉમેદવાર પરષોત્તમ રુપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાતા, રાજ્યની ઘણી બેઠકો ઉપર અસર થવાની ભાજપને ચિંતા સતાવી રહી છે. એવી જ રીતે ભાજપના આંતરકલહ, ભાજપના ઉમેદવારો સામે ભાજપમાંથી દેખાયેલા વિરોધને કારણે પણ ભાજપ-મોવડીઓ ચિંતામાં જણાય છે. જ્યારે બીજીબાજુ ગુજરાતમાં શૂન્ય બેઠકો સાથે આ વખતે કોંગ્રેસ માટે તો વકરો એટલો નફો-જેવી સ્થિતિ છે.    

 

2019ની ચૂંટણીમાં મતદાન, પક્ષોને મળેલા વોટની ટકાવારી

ગત 2019માં ગુજરાતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી વખતે કુલ મતદારોની સંખ્યા 4,51,52,373 હતી. જેમાંથી 64.51 ટકા મતદારો અર્થાત 2,91,28,414 ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 2019ની ચૂંટણીમાં કુલ મતદાનમાંથી ભાજપને સૌથી વધુ 62.21 ટકા, કોંગ્રેસને 32.11 ટકા, અપક્ષોને 2.15 ટકા, વોટ મળ્યા હતા અને ભાજપે રાજ્યની તમામ બેઠકો ઉપર વિજય હાંસલ કર્યો હતો.

 

સોરઠમાં મતદારોને રીઝવવા ઉમેદવારોના  રાત ઉજાગરા, પણ માહોલ ઉભો ન થયો

જૂનાગઢ લોકસભા બેઠક પર આજે સાંજથી પ્રચાર ભૂંગળા શાંત થશે છતાં ભરેલાં નાળિયેરની સ્થિતિ

 

જૂનાગઢ, તા.4 : જૂનાગઢ લોકસભા બેઠક પર મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો છેલ્લાં બે સપ્તાહથી મતદારોને રીઝવવા દોડધામ અને રાત ઉજાગરા કર્યા પછી પણ પોતાના તરફી માહોલ ઉભો કરવામાં નિષ્ફળ રહેતા હવે આવતીકાલે રવિવારે સાંજે પ્રચાર ભૂંગળા શાંત થશે છતાં હજુ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ પ્રવર્તે છે.

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપે ત્રીજી વખત સાંસદ રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા છે. આ સિવાય અન્ય નવ મળી કુલ 11 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે પરંતુ મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપ પાસે કાર્યકરોની ફોજ છે, તેથી મત વિસ્તારમાં સ્થાનિક આગેવાનોનાં ટોળા સાથે પ્રચાર કર્યો હતો અને છેલ્લે જૂનાગઢમાં વડાપ્રધાનની ચૂંટણી સભા યોજી હતી, પણ લોકમાનસમાં તેની અસર વર્તાઈ નથી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઇ જોટવાએ પણ ઠેક ઠેકાણે જમણવાર સહિતના કાર્યક્રમો કર્યા છે, પણ મતદારોએ મન કળવા દીધું નથી.

જૂનાગઢ બેઠક પર હજુ ચૂંટણીનો માહોલ ઉભો થયો નથી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનને ઊંચું લઈ જવા અનેક પ્રયાસો કરીને જંગલ, સમુદ્ર સુધી જાગૃતિ અભિયાન ચલાવ્યા પછી પણ મતદારોમાં નિરુત્સાહ પ્રવર્તે છે. આ સ્થિતિ વચ્ચે આવતીકાલે સાંજે જાહેર ચૂંટણી પ્રચારના ભૂંગળા શાંત થતાં જ ઉમેદવારો અને તેમના ટેકેદારો ડોર ટુ ડોર પ્રચાર, ગ્રુપ મિટિંગો શરૂ કરશે.

 

સોમવારે ઇવીએમ-વીવીપેટનું વિતરણ: ચૂંટણીકર્મીઓ સજ્જ

જૂનાગઢ લોકસભા બેઠક હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકોના સ્ટ્રેંગ રૂમમાંથી સોમવારે સવારથી ઇવીએમ તથા વીવીપેટ અને ચૂંટણી સાહિત્યનું વિતરણ શરૂ કરાશે. જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ, વિસાવદરમાં વી.ડી. પટેલ શૈક્ષણિક સંકુલ, માંગરોળમાં કંપાણી આર્ટસ કોલેજ, સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટી, તાલાલામાં પ્લાઝમા સ્કૂલ, કોડીનારમાં એમ.એમ. શાહ હાઇસ્કૂલ, ઉનામાં શાહ એચ.ડી. હાઇસ્કૂલ ખાતે વિતરણ કેન્દ્રો ઉપર કાઉન્ટરો ગોઠવી દેવાયા છે. જ્યાં સોમવારે સવારે ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ, કર્મચારીઓ ઉમટી પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક