• રવિવાર, 19 મે, 2024

પ્રચાર પડઘમ શાંત : ગુજરાતની 25 બેઠક પર કાલે મતદાન

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં તમામ તાકાત કામે લગાવી દીધી 

જનસભા, બાઇકરેલી, રોડ શો આટોપાયા : ડોર ટુ ડોર માટિંગ અને ખાટલા બેઠકો શરૂ

48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પાબંધી, એક્ઝીટ પોલ અને ઓપિનિયન પોલ પણ પ્રતિબંધિત

અમદાવાદ, તા.5 : ગુજરાતમાં સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે 25 બેઠકો પર લોકસભાના ત્રીજા તબક્કાનું 7મી મેના મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. જેનો પ્રચાર પડઘમ શાંત પડી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં બાઇકરેલી, રોડ શો, ધ્વજારોહણ, જનસભા યોજી તમામ તાકાત કામે લગાવી દીધી હતી. હવે પ્રચાર પડઘમ શાંત થતા ડોર ટુ ડોર માટિંગ અને ખાટલા બેઠકો શરૂ થશે.

આગામી 48 કલાક માટે કોઈ પણ પક્ષના ઉમેદવાર ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. સાથે બહારથી આવેલા લોકોએ પણ મતવિસ્તાર છોડવો પડશે. આ ઉપરાંત લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર-જવરની પણ તપાસ કરવામાં આવશે. સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ‘ડ્રાય-ડે’ જાહેર કરવામાં આવ્યો છે. 

અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. મતદાન મથકો પર વોટર અવેરનેસ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં 175 આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ- એક્ઝીટ પોલ અને ઓપીનીયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કરાયું ન હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં.

મતદાન પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટેની તૈયારીઓ અંગે વાત કરતાં કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન તથા ટેલિફોનીક સેવાઓ ચાલુ રહે તે માટે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે, વિજળીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે વીજ કંપનીઓ સાથે, રેલવે, ટપાલવિભાગ, અગ્નિશામક દળ તથા મતદાન સ્ટાફની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા દવાઓ અને તબીબી ટુકડીઓ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક