• રવિવાર, 19 મે, 2024

ક્ષત્રિય સમાજને પત્ર લખી સમર્થન આપવા કરી અપીલ

ક્ષત્રિય સમાજ આ યજ્ઞમાં પોતાની મત રૂપી આહુતિ અર્પિત કરે અને ભાજપને સમર્થન આપે: ભાજપના પ્રદેશ અગ્રણીઓની ક્ષત્રિય સમાજને અપીલ  

અમદાવાદ, તા.5: ગુજરાતમાં મંગળવારે મતદાન થવાનું છે ત્યારે ભાજપ માટે આ વખતે ક્ષત્રિય સમાજ એક મોટો પડકાર હોય શકે છે. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની ટિકિટ રદ્દ કરવાની માગ પૂર્ણ ન થતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે અને પહેલા જે વિરોધ રૂપાલા સામે હતો તે હવે ભાજપ પાર્ટી સામે થઈ ગયો છે અને મહાસંમેલનમાં ભાજપ વિરુદ્ધ મત આપવાની વાત થઈ રહી છે. એવામાં હવે ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન કરે અને ઉદારતા દાખવે તે માટે ભાજપે પ્રેસ રિલીઝ જાહેર કરી ક્ષત્રિય સમાજને કરી અપીલ છે. 

પુરુષોતમ રૂપાલાના નિવેદન પર માફી આપી ભાજપને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે. રૂપાલાના નિવેદન અંગે માફી આપી રાષ્ટ્રહિતમાં ભાજપને સમર્થન કરવાની વાત પ્રેસ રિલીઝમાં કહેવામાં આવી છે. જો કે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે મતદાનના 2 દિવસ પહેલા એટલે કે 5 મે, 2024 ના દિવસે આ પ્રકારની અપીલ કરી છે હવે એ જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજની આના પર શું પ્રતિક્રિયા રહેશે? ભાજપે જણાવ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષાત્રધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપીને ઉદારતા દાખવે. ક્ષત્રિય સમાજ ત્યાગ અને બલિદાનની પ્રતીતિ કરાવવા ભાજપના પ્રદેશ અગ્રણીઓની ક્ષત્રિય સમાજને અપીલ કરી છે.

ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓ ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, આઈ. કે. જાડેજા,  પ્રદિપાસિંહ જાડેજા, માંધાતાસિંહ જાડેજા, કેસરીદેવાસિંહ ઝાલા (રાજ્ય સભા સભ્ય), બળવંતાસિંહ રાજપૂત (મંત્રી), જયદ્રથાસિંહ પરમાર, મહેન્દ્રાસિંહ સરવૈયા (પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), કિરીટાસિંહ રાણા (ધારાસભ્ય), ધર્મેન્દ્રાસિંહ જાડેજા (હકુભા), સી. કે. રાઉલજી(ધારાસભ્ય), અરુણ સિંહ રાણા( ધારાસભ્ય), વિરેન્દ્રાસિંહ જાડેજા (ધારાસભ્ય) તથા પ્રદ્યુમનાસિંહ જાડેજા (ધારાસભ્ય) એક સંયુક્ત નિવેદનમાં ક્ષત્રિય સમાજને આ અપીલ કરી છે.

---------------

ભાજપની પ્રેસ રિલીઝની ક્ષત્રિય સમાજ પર કોઈ અસર થવાની નથી : સંકલન સમિતિ

અમદાવાદ તા.5: ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા એક પત્ર લખી રૂપાલાને માફ કરવા અને ભાજપના વિરુદ્ધ મતદાન ન કરવા વિનંતી કરવામાં આવી છે. જેને લઈ અમદાવાદ ખાતે આજે ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સંકલન સમિતિના અધ્યક્ષ કરણાસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પુરુષેત્તમ રૂપાલા અને કિરીટ પટેલ જેવા નેતાઓએ ક્ષત્રિય સમાજ પર નિવેદનો આપ્યાં ત્યારે આ ક્ષત્રિય નેતાઓ ક્યાં હતા ? અને અમને સૌથી વધારે એ વાતનું દુ:ખ છે કે આવા સમયે સમાજનો સાથ આપવા ભાજપના એક પણ ક્ષત્રિય નેતાઓ આગળ આવ્યા નથી અને આજે ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝની ક્ષત્રિય સમાજ પર કોઈ અસર થવાની નથી.

વધુમાં જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન ગુજરાત આવવાના હતા ત્યારે તેઓએ અમને વિરોધ ન કરવા માટે અપીલ કરી હતી અને અમે પણ આ મામલે એક પત્ર બહાર પાડી અને વિરોધ નહીં કરવામાં આવે તેવું પણ કહ્યું હતું. આ સાથે જ હમણાં ભાજપના એક નેતાએ કોળી સમાજને લઈ નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને ભાજપમાંથી કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ક્ષત્રિય સમાજ પણ આ પ્રકારનાં નિવેદનને વખોડે છે. બીજેપીની ભગીની સંસ્થા દ્વારા એક પત્રિકા ફેરવવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રહિત માટે બીજેપીને સમર્થનની વાત કરાઈ છે.  તેથી અમે જણાવી દઈએ કે, અમને અને જનતાને ખબર છે કે રાષ્ટ્રહિત અને દેશહિત શું છે.

ઇ-પેપરના નવા શુલ્ક