• રવિવાર, 19 મે, 2024

ગોંડલમાં ક્ષત્રિય સમાજનાં સંમેલનમાં મોદી-ભાજપને પૂર્ણ સમર્થનનો હુંકાર

ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, સમાજને માત્ર હથિયાર બનાવાયો હોવાનો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો આક્ષેપ

ગોંડલ, તા. 5 :  રાજ્યમાં કરણીસેના અને ક્ષત્રિય સમાજનાં વિવિધ સંગઠનો દ્વારા પરષોતમ રુપાલાનાં નિવેદન મુદ્દે ઠેર-ઠેર ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાનની ચળવળ ચાલુ છે ત્યારે આજે ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજીને કોઈ વાતોથી ગુમરાહ થયા વગર રાષ્ટ્રનાં હીતમાં ગુજરાતનાં પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને ફરીવાર વડાપ્રધાન પદે બેસાડવા માટે ભાજપને સમર્થન આપવાની અપીલ કરી હતી.

ગોંડલમાં રાજપુત સમાજ ભવન ખાતે યોજાયેલા સંમેલનને ક્ષત્રિય સમાજનાં સ્નેહમિલનનું નામ અપાયું હતું. જેમાં ગોંડલ, જેતપુર, કોટડાસાંગાણી સહિતનાં ગરાસીયા રાજપુત, કાઠી ક્ષત્રિય, ગુર્જર રાજપુત, નાડોદા રાજપુત, કારડીયા રાજપુત, સોરઠીયા રાજપુત, મહીયા ક્ષત્રિય અને ખાંટ રાજપુત સમાજનાં આગેવાનો, યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા  હતા.

આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ‘હાલ ચાલી રહેલું આંદોલન કોંગ્રેસ પ્રેરીત છે. કોઈપણ લાયકાત વગરનાં લોકો આગેવાન કે લીડર બની બેઠા છે. આંદોલન પાછળ બે વ્યક્તિઓ સક્રિય છે. જે પૈકી એક પરદા પાછળ દોરી સંચાર કરે છે. આ ભાઇને રાજ્યસભાનું સભ્ય થવું છે. ક્ષત્રિય સમાજને માત્ર હથિયાર બનાવાયો છે. હું હાલ મૌન છું. હું પણ આંદોલન ચલાવવાનો છું. સમયની રાહ જોઉં છું.’

યુવા ક્ષત્રિય આગેવાન ગણેશભાઈ જાડેજાએ કહ્યું કે ‘આંદોલન ચલાવી રહેલાં લોકો સમાજનાં હીતને બદલે માત્ર રાજકીય રોટલા શેકી રહ્યા છે. આંદોલનનાં નામે કેટલાક કહેવાતા આગેવાનોએ બબ્બે કરોડનાં ફ્લેટ ખરીદ્યા છે. નવી ગાડીઓ છોડાવી છે. આ મુદ્દે હું પુરાવા રજુ કરી શકું છું. ગોંડલ કે કોટડા વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા કોઈ વિરોધ કરાયો નથી, તેમ જણાવીને રાષ્ટ્રનાં હીતમાં કોઈપણ દ્વારા ગુમરાહ નહીં થવા અપીલ કરી હતી.

આ સંમેલનમાં કનકાસિંહ જાડેજા, કનુભાઈ લાલુ, હરદેવાસિંહ જાડેજાએ વક્તવ્યમાં રાષ્ટ્રહિતને ધ્યાને લેવા જણાવ્યું હતું. જેને ઉપસ્થિત જનસમુદાય દ્વારા બે હાથ ઉંચા કરી સમર્થન હોવાનો હૂંકાર કર્યો હતો. આ સંમેલનમાં વિવિધ સમાજ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક