• રવિવાર, 19 મે, 2024

મહાપર્વ મધ્યાહ્ને : આજે ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન

-આજે લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં 10 રાજ્ય અને 1 કેન્દ્રીય પ્રદેશની કુલ 93 બેઠકો માટે ચૂંટણી : અમિત શાહ અને માંડવિયા સહિત 7 કેન્દ્રીય મંત્રી અને 4 પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા દાવ ઉપર

- મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10 અને બિહારની 5 સહિતની બેઠકો ઉપર ઉપર મતદાન : ધોમધખતા તાપનાં હિસાબે અમુક સ્થાને મતદાનનો સમય વધારાયો

 

નવી દિલ્હી, તા. 6 : ભારતીય લોકતંત્રનું મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આ વખતે દેશમાં ભીષણ ગરમી વચ્ચે યોજાઈ રહી છે. જેમાં આવતીકાલે મંગળવારે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરતમાં બિનહરીફ થયેલી સુરત સીવાયની તમામ 2પ, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10 અને બિહારની પ બેઠક સહિતનાં મતક્ષેત્રોમાં મતદાન થશે.

પહેલા ત્રીજા ચરણમાં 10 રાજ્ય અને બે કેન્દ્રીય પ્રદેશની કુલ 9પ બેઠકો માટે મતદાન થવાનું હતું પણ 21મી એપ્રિલે સુરતમાં કોંગ્રેસનાં ઉમેદવારનું નામાંકન રદ થયા પછી અન્ય 8 ઉમેદવારે પણ નામ પાછા ખેંચી લેતા ભાજપને આ બેઠક બિનહરીફ મળી ગઈ હતી. તો જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનનાં હિસાબે અનંતનાગ-રાજૌરીની બેઠક ઉપર ચૂંટણી મુલત્વી રાખી દેવામાં આવી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશનાં બૈતૂલમાં બસપાનાં ઉમેદવારનાં નિધન બાદ ત્યાં બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી આવતીકાલે તબદિલ કરી નાખવામાં આવી હતી.  ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કુલ મળીને 13પ2 ઉમેદવારોનાં ભાવિ આવતીકાલે ઈવીએમમાં સીલ થઈ જશે. આમાં 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવારો સામેલ છે. આમાંથી 244 ઉમેદવાર અપરાધિક છબિ ધરાવે છે અને 392 ઉમેદવાર પાસે એક કરોડ કે તેનાથી વધુ સંપત્તિ છે.

ત્રીજા ચરણની ચૂંટણીમાં કુલ મળીને 7 કેન્દ્રીય મંત્રી અને 4 પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા દાવ ઉપર છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રી નારાયણ રાણે, સ્વાસ્થ્ય રાજ્યમંત્રી એસ.પી.સિંહ બધેલ, પર્યટન રાજ્યમંત્રી શ્રીપદ નાઈક, સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી, ચાર પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ(મધ્યપ્રદેશ), દિગ્વિજય સિંહ(મધ્યપ્રદેશ), બસવરાજ બોમ્મબ(કર્ણાટક), જયદીશ શેટ્ટાર(કર્ણાટક)નો સમાવેશ થાય છે.

આમ તો મતદાનનો સમય સવારે 7થી સાંજે પ વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવેલો છે પણ ધોમધખતા તાપ અને અસમાન્ય હવામાનની સ્થિતિને ધ્યાને રાખતા કેટલાક ક્ષેત્રોમાં મતદાનનો સમય અલગ-અલગ કરવામાં આવ્યો છે. આસામની ચાર બેઠકો માટે સવારે 7થી સાંજે પ, બિહારમાં સવારે 7થી સાંજે 6, છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરાનગર હવેલી અને દીવ-દમણમાં પણ સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024