• રવિવાર, 19 મે, 2024

રાહુલ ફરી વિવાદમાં : 200 કુલપતિએ કરી કાનૂની કાર્યવાહીની માગ

-યુનિવર્સિટીઓમાં સંઘ સાથે સંબંધિતોની નિયુક્તિ થતી હોવાનાં દાવા સામે આપત્તિ

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 6 : ભૂતપૂર્વ અને વર્તમાન ઉપ-કુલપતિઓ  સહિત દેશના 200 જેટલા શિક્ષણવિદોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંબોધીને ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં તેમના પર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર્સની નિમણૂંક પ્રક્રિયા અંગે જૂઠાણું ફેલાવવાનો અને વાઈસચાન્સલરની નિમણૂંક પ્રક્રિયાને વગોવવાનો આક્ષેપ કર્યો છે. શિક્ષણવિદોએ રાહુલ ગાંધી સામે કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે.

શિક્ષણવિદોએ પત્રમાં કહ્યું છે કે રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના વાઈસ-ચાન્સલર્સની નિમણુક યોગ્યતાને બદલે કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષો સાથેના સંબંધોને આધારે કરવામાં આવે છે અને નિમણૂકમાં પારદર્શકતાનો અભાવ હોય છે. પત્રમાં હસ્તાક્ષર કરનારાઓએ જો કે વાઈસ-ચાન્સલરની પસંદગીની પ્રક્રિયાને આકરી, પારદર્શક અને યોગ્યતા આધારિત ગણાવી રાહુલ ગાંધીના આક્ષેપોનું ખંડન ર્ક્યું છે. તેમણે દાવો ર્ક્યો છે કે શૈક્ષણિક અને વહીવટી કુશળતાને ધ્યાનમાં લઈ,  યુનિવર્સિટીનું સંવર્ધન કરી એને આગળ લઈ જાય એવી યોગ્ય વ્યક્તિની વાઈસ-ચાન્સલર પદે નિમણૂંક કરાય છે.

રાહુલ ગાંધીને સંબોધીને લખાયેલા પત્ર પર હસ્તાક્ષર કરનારામાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સલર શાંતિશ્રી ધુલિપુડી પંડિત, દિલ્હી યુનિવર્સિટીના વાઈસ-ચાન્સલર યોગેશ સિંહ, એઆઈસીટીઈ ચેરમેન ટી. જી. સિતારામન, કાનપુરની સીએસજેએમ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સલર વિનય પાઠક, ઉદયપુરની પેસિફિક યુનિવર્સિટીના ચાન્સેલર ભગવતી પ્રકાશ શર્મા,  ચિત્રકૂટના મહાત્મા ગાંધી ગ્રામોદય વિશ્વવિદ્યાલયના પૂર્વ વાઈસ ચાન્સલર એન. સી. ગૌતમ, બિલાસપુરની ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર આલોક ચક્રવાલ, વિનય કપૂર અને સોનીપતની બી. આર. આંબેડકર નેશનલ લો યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચાન્સલરનો સમાવેશ થાય છે. પત્રમાં તેમણે લોકોને નિરાધાર અફવાઓથી દૂર રહેવાનો આગ્રહ ર્ક્યો છે અને હકીકત અને નકલી વચ્ચેનો ફરક ભેદ સમજવાની અપીલ કરી છે.

આ શિક્ષણવિદોએ ભારપૂર્વક જણાવ્યું છે કે વૈશ્વિક રેન્કિંગની દૃષ્ટિએ ભારતની યુનિવર્સિટીઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઉદ્યોગો અને શિક્ષણ વચ્ચે અંતર ઘટાડતા અભ્યાસક્રમો, નવા સંશોધનો, નોકરી પ્લેસમેન્ટની તકમાં સુધારા વગેરેથી એ સ્પષ્ટ થાય છે. તેમનું માનવું છે કે આ સફળતાઓ શિક્ષણમાં સુધારા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તેમની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.

પત્રમાં તેમણે લખ્યું છે કે રાહુલ ગાંધીએ જુઠનો સહારો લીધો છે અને રાજકીય લાભ ખાટવાના હેતુથી વાઈસ-ચાન્સલરના કાર્યાલયને વગોવ્યું છે. તેમની સામે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ પત્રમાં કરી છે. વધારામાં તેમણે લખ્યું છે કે જ્ઞાનના સંરક્ષક અને શૈક્ષણિક સંસ્થાનોના પર્યવેક્ષક તરીકે તેઓ શાસનની અખંડિતતા, નૈતિક આચરણ અને સંસ્થાગત અખંડતાના ઉચ્ચતમ ધોરણો જાળવા રાખવા માટે સમર્પિત છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024