ભારતે
છેલ્લા થોડા સમયમાં અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે દુનિયામાં ડંકો વગાડયો છે. દુનિયાના
દેશો સસ્તા અને સચોટ ઉપગ્રહ પ્રક્ષેપણ માટે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ની
સેવાઓ લેતા થયા છે. હવે ભારત સરકારે તેના અંતરિક્ષ ક્ષેત્રના વિકાસમાં ખાનગી ઉદ્યોગ
અને રોકાણકાર સાહસિકોની સામેલગીરી વધારવાની નવતર પહેલ હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે
અંતરિક્ષ ક્ષેત્રમાં આવવા ઇચ્છુક સ્ટાર્ટઅપ એકમોને સહાયભૂત થવા માટે એક હજાર કરોડના
ખાસ પ્રોત્સાહક ફંડની જાહેરાત કરી છે.
સરકારના
આ નિર્ણયથી અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગને વિકાસની તક મજબૂત બનશે. ભારતમાં અંતરિક્ષ
ક્ષેત્રે વિકાસની અપાર શક્યતાઓ રહેલી છે. આજે દુનિયામાં ભારતની ક્ષમતા અને ખાસ તો ઓછા
ખર્ચે ઉપગ્રહો અવકાશમાં મોકલવાની હથોટીની ચર્ચા તો છે, પણ અંતરિક્ષ ક્ષેત્રના વૈશ્વિક
બજારમાં ભારતની હિસ્સેદારી માત્ર બે ટકા જ છે. આમ આ ક્ષેત્રને વિકસાવવા અને વૈશ્વિક
સ્તરે પહોંચાડવામાં ઘણું બધું કરવાનું બાકી છે. ઇસરો દુનિયામાં છઠા ક્રમની અંતરિક્ષ
એજન્સી બની ચૂકી છે. સાથોસાથ દેશમાં આ ક્ષેત્રમાં 400થી વધુ ખાનગી કંપનીઓ કાર્યરત છે.
હવે એક હજાર કરોડનાં ખાસ ભંડોળથી આ કંપનીઓ ઉપરાંત નવા સાહસિકોને ખાસ પ્રોત્સાહન મળશે
અને સરવાળે આ ક્ષેત્રમાં વિકાસની ગતિ વધુ ઝડપી બનશે.
ભારતે
તાજેતરના સમયમાં અંતરિક્ષ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે. ઇસરોએ સ્થાનિકની ખાનગી
કંપનીઓને સાથે રાખીને આ વિકાસની હરણફાળ ભરી છે. ચંદ્રયાન, મંગલયાન અને આદિત્ય એલ-1
ઇસરોની અંતરિક્ષ સફળતાનાં નોંધપાત્ર સોપાન રહ્યાં છે. એક સાથે 104 ઉપગ્રહને એક જ રોકેટ
વડે અંતરિક્ષમાં મોકલવાની સફળતાએ દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. 2025માં ભારત તેના
માનવ સહિત અવકાશ મિશનને હાથ ધરવાની તૈયારીમાં છે.
આ બધા
છતાં ભારતના 78 અબજ ડોલરના અંતરિક્ષ અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો નામમાત્રનો
રહ્યો છે. હવે આ એકમોને વધુ સક્રિય રીતે સામેલ કરવા અને તેમને આર્થિક રીતે મદદરૂપ થવાનો
તખતો તૈયાર થઇ રહ્યો છે.
એક હજાર
કરોડનું ખાસ ભંડોળ આમ તો અંતરિક્ષ ક્ષેત્રના ખાનગી એકમો માટે પ્રથમ નજરે આવકાર્ય છે,
પણ આ ક્ષેત્રની નાણાકીય જરૂરતોને જોતાં તેમાં વધુ રકમ ઉપલબ્ધ કરાય તે અનિવાર્ય જણાય
છે. વળી અંતરિક્ષ ક્ષેત્રે સંખ્યાબંધ બાબતોમાં ભારતે હજી સ્પષ્ટ નીતિ તૈયાર કરી નથી.
હાઇ થ્રુપ્ટ ઉપગ્રહો અને પૃથ્વી પર સતત નજર રાખી શકાય એવા ઉપગ્રહોના ક્ષેત્રમં ભારત
હજી વિકસિત દેશોને આંબવા મથે છે. ભારતે અંતરિક્ષ ક્ષેત્રે મહત્ત્વના દેશો સાથે ટેક્નોલોજી
માટે કરાર કરવા શરૂ કર્યા છે, પણ આ ક્ષેત્ર માટે ઝડપભેર વિકસતી વૈશ્વિક ટેક્નોલોજી
અને ક્ષમતાની ઊણપ ભારતના વિકાસમાં અંતરાય ઊભો કરે છે. સંખ્યાબંધ બાબતોમાં સ્પષ્ટ નીતિ
ન હોવાને લીધે વૈશ્વિક અંતરિક્ષ બજારોનો જોઇએ એવો લાભ ભારતને મળી શક્તો નથી. ભારતે
અંતરિક્ષ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કાયદા અને નીતિઓનાં ઘડતરમાં પોતાની સક્રિય ભાગીદારી
ઊભી કરીને પોતાનાં હિતોને પ્રાધાન્ય મળે તે માટે સતત ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.