જિલ્લા કલેકટર, ખાણ ખનીજ અધિકારી,
એસ.ડી.એમ. અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી નહીં
વીરપુર, તા.29 : સૌરાષ્ટ્રના
યાત્રાધામ વીરપુર પાસે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ ચાલુ છે.
આ રોડમાં ભરતી ભરવા માટે અનેક જગ્યાએથી માટી ઉપાડવામાં આવે છે. વીરપુર નજીક સિક્સલેન
હાઇવે માટે માટી ઉપાડવામાં મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
વીરપુર તેમજ પીઠડિયા, સેલુકા,
થોરાળા સહિત ગામની ગૌચર તેમજ સરકારી ખરાબાની જમીનમાંથી વરાહા ઇનફા કંપનીના કોન્ટ્રાક્ટરો
દ્વારા કોઈ પ્રકારનો ઠરાવ કે મંજૂરી લીધા વગર ખનીજ ચોરી કરવામાં આવે છે. કોઈ રોયલટી
વગર જ બારોબાર ખનીજ ચોરી કરી વિરપુર સિમ વિસ્તારોમાં નદીઓ અને ડુંગરા-ટેકરા ખોદીને
માટી ઉપાડી રહ્યા છે. આ અંગે જાગૃત નાગરિકો તેમજ ખેડૂતો દ્વારા રાજકોટ કલેક્ટર, ડીડીઓ
તેમજ જેતપુર તાલુકા ગ્રામ્ય મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર તેમજ મુખ્યમંત્રીને પણ ફરિયાદ
કરવામાં આવી છે. જે અંગે જેતપુર ગ્રામ્ય મામલતદાર ભેંસાણિયા ખનીજ ખાતાના કોઈપણ અધિકારીઓ
વગર જ વીરપુર આવી માત્રને માત્ર એક જ જગ્યાએ તપાસના નામે જાણે નાટક કરતા હોય તેમ ખનીજ
ચોરો દ્વારા ખોદાયેલી ગૌચરની જમીનની કોઈ પ્રકારની માપણી કર્યા વગર જ ચાલતી પકડી હતી.
તપાસના નામે નાટક કરતા અનેક સવાલ ઉઠી રહ્યાં છે.
આ અંગે વિરપુર પોલીસના પીઆઈ રાઠોડે
જણાવ્યું હતું કે, અમે વિરપુર ગ્રામપંચાયતના તલાટી મંત્રીને સાથે લઈને ખનીજ ચોરી સ્થળ
પર ગયા હતા. તલાટી મંત્રી અને મામલતદાર જો ફરિયાદ કરે તો અમે કાર્યવાહી કરીશું. જેતપુર
ગ્રામ્ય મામલતદાર ભેંસણીયાએ જણાવ્યું હતું કે, આ બાબતે કોઈપણ બાઈટ ન આપી શકીએ! અમને
કલેક્ટરે મનાઈ કરી છે.