ગુજરાત
સરકારે આ યોજનામાં ભાગ લેવા માટે આવશ્યક એવા વસ્તીના ડેટા જ જાળવ્યા ન હોવાનો કેગનો
અહેવાલ
2015થી
2023 સુધીમાં 4.63 કરોડમાંથી માંડ 3.99 કરોડ લાભાર્થીને યોજનાનો લાભ અપાયો
અમદાવાદ,
તા.30 : ગુજરાતમાં માર્ચ-2023ની વસ્તીના માપદંડ મુજબ 69,074 જેટલા આંગણવાડી કેન્દ્રો
હોવા જોઈએ પણ તેના સ્થાને ગુજરાતમાં 53,029 જેટલા જ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.
અર્થાત રાજ્યમાં 16,045 જેટલા આંગણવાડી કેન્દ્રની ઘટ પ્રવર્તી રહી છે. આ સંદર્ભે ભારત
સરકારે ગુજરાત સરકારનું ધ્યાન પણ દોર્યુ હતું. પરંતુ રાજ્યમાં સબ સલામત હૈ ના સૂર સાથે
કામ કરતી રાજ્ય સરકારે રાજ્યમાં વસ્તીના માપદંડ મુજબના આંગણવાડી કેન્દ્રોની સ્થાપના
કરી નથી. કેગના અહેવાલમાં એ બાબત ઉજાગર થઈ છે કે, ગુજરાત સરકારે રાજ્યમાં 16,045 આંગણવાડી
કેન્દ્રોની પ્રવર્તમાન ઘટની સામે ભારત સરકાર પાસે માત્ર 198 આંગણવાડી કેન્દ્રની જ માગ
કરી હતી.
ભારતના
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે (કેગ) તેના અહેવાલમાં નોંધ્યું છે કે, ભારત સરકારના
મંત્રાલયે ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગને ધ્યાન દોર્યુ ત્યારે ગુજરાત
સરકારે રાજ્યના 11 જિલ્લામાં માત્ર 198 આંગણવાડી કેન્દ્રોની જરૂરિયાત હોવાનું દર્શાવ્યું
હતું. આ બાબતે કેગના ઓડિટરે ગુજરાત સરકારને પૃચ્છા કરતાં તેમને જાણ થઈ હતી કે, ગુજરાત
સરકારે આ યોજનામાં ભાગ લેવા માટે આવશ્યક એવા વસ્તીના ડેટા જ જાળવ્યા ન હતા. જોકે, ગુજરાત
સરકારે વાસ્તવમાં રાજ્યમાં 16045 આંગણવાડીઓની ઘટ સામે માત્ર 198 આંગણવાડી કેન્દ્રો
કેમ માંગ્યા તેનું કોઈ કારણ જ આપ્યું ન હતું. એવી જ રીતે 2015-16થી 2022-23ના વર્ષો
દરમિયાન રાજ્યોમાં શૂન્યથી 6 વર્ષની વય સુધીના નોંધાયેલા 77.77 લાખ બાળકોની સામે માત્ર
40.34 લાખ બાળકોની જ સંખ્યા દર્શાવી હતી. છેવટે રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે,
હવેથી તેઓ આ યોજનાનો લાભ લેવા ન માગતા હોય તેમનો પણ ડેટા જાળવશે.
આ ઉપરાંત
કેગે નોંધ્યું છે કે, 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકો માટે રોજ 500 કિલો-કેલેરી અને
12-15 ગ્રામ પોર્ટીન, કુપોષિત બાળકો માટે દરરોજ 800 કિલો-કેલેરી અને 2025 ગ્રામ પ્રોટીન
અને સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ-કિશોરીઓને દરરોજ 600 કિલો-કેલેરી અને 18-20 ગ્રામ
પ્રોટીન પૂરા પાડવાની યોજના અમલમાં છે. હવે આ યોજનામાં ધુપ્પલ એવી ચલાવાઈ છે કે,
2015થી 2023 સુધીના સમયગાળા દરમિયાન આ યોજના હેઠળ નોંધાયેલા 4.63 કરોડ લાભાર્થીઓમાંથી
માંડ 3.99 કરોડ લાભાર્થીઓને જ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. નોંધાયેલા કુલ લાભાર્થીઓમાંથી
14 ટકા એટલે કે 64 લાખ લાભાર્થીઓને યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા. રાજ્ય
સરકારને ઓડિટર દ્વારા આવું કેમ કરાયું એમ પૂછાતા તેમના તરફથી કહેવાયું હતું કે, જે
લાભાર્થીઓ આંગણવાડીઓમાં આવતા નથી તેમને કારણે આ આંકડો ઓછો દર્શાવે છે, પરંતુ હવેથી
તમામ નોંધાયેલા લાભાર્થીઓને આ પુરક પોષણ કાર્યક્રમ-યોજના હેઠળનો લાભ મળે તે માટે તમામ
તાબા હેઠળની કચેરીઓને સૂચના આપવામાં આવશે.