ગોંડલ,તા.2:ગોંડલ તાલુકાના મોવિયા ગામની અતિ કિંમતી ખેતીની જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ રચેલું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કૌભાંડીઓએ જમીનના મૂળ માલિકોની જાણ બહાર પૂર્વ આયોજિત કાવતરું રચીને તેમની ખોટી ઓળખ ઊભી કરી હતી. જમીન હડપવાના ઈરાદે આરોપીઓએ અન્ય અજાણ્યા સ્ત્રી-પુરુષોને મૂળ માલિકો તરીકે રજૂ કરી, તેમના નામના બોગસ ચૂંટણી કાર્ડ સહિતના સરકારી પુરાવાઓ તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, રજિસ્ટ્રાર કચેરીમાં આ અજાણ્યા વ્યક્તિઓ જ સાચા માલિક હોવાની ખોટી ઓળખ આપીને દસ્તાવેજો પર સહી-સિક્કા કરાવી જમીન પોતાના નામે કરાવી લીધી હતી. આ ગંભીર છેતરાપિંડીની જાણ થતા જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવની
વિગતો મુજબ, બાબરાના પાનસડા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ભાઈલાલભાઈ મહેતાએ આ અંગે ફરિયાદ
નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ભાવનાબેન ચાવડા (દેરડી), તુષાર દુદાણી (ગોંડલ), વિપુલગીરી
ગોસ્વામી (મોવિયા), ઉત્તમાસિંહ રાઠોડ (રાજકોટ) તેમજ અન્ય અજાણ્યા પુરુષ અને મહિલાના
નામ સામેલ છે. ફરિયાદી પાસે બગસરાના કાંતિભાઈ અને મધુબેન પાઠકની મોવિયા સ્થિત સર્વે
નંબર 100 વાળી જમીનનું કુલમુખત્યારનામું હતું. આરોપીઓએ વર્ષ 2025ના અંતિમ માસ દરમિયાન
તકનો લાભ લઈ, સાક્ષી તરીકે સહીઓ કરી અને બોગસ ઓળખ ઊભી કરી કરોડોની જમીનનો દસ્તાવેજ
બનાવી લીધો હતો. હાલ આઈપીએસ પ્રખરકુમારના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને
ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.