• શનિવાર, 02 મે, 2026

પોરબંદર: રિસામણે બેઠેલી પરિણીતાએ નવજાતને મારીને દાટી દીધું ?

પતિએ પોલીસમાં લેખિત અરજી કરી ભાંડો ફોડયો; ઓડદરની સીમમાંથી શંકાસ્પદ અવશેષો મળતા ફોરેન્સિક તપાસ તેજ

પોરબંદર, તા.1: પોરબંદરના ઘેડ પંથકમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. છેલ્લા પોણા બે વર્ષથી પિયરમાં રિસામણે રહેલી એક પરિણીતાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની હત્યા કરી તેને દાટી દીધું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે પત્ની વિરુદ્ધ પતિએ જ પોલીસમાં અરજી કરતા માધવપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

માધવપુર ઘેડ વિસ્તારમાં રહેતા અરજદાર યુવાને પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તેની પત્ની છેલ્લા પોણા બે વર્ષથી રિસામણે છે અને પોતાના પિયરમાં રહે છે. આમ છતાં તાજેતરમાં જ તેણે એક બાળકને જન્મ આપ્યો હોવાની તેને જાણ થઈ છે. અરજદાર યુવાનનો આક્ષેપ છે કે, પત્નીને પ્રેમી સાથેના સંબંધને લીધે બાળકનો જન્મ થયો હોવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ રિસામણે હોવા છતાં બાળક જન્મ્યું હોવાથી તે ‘અનૈતિક’ હોવાનું માની મહિલાએ નવજાતને મારી નાખીને ક્યાંક દાટી દીધું છે. આ અરજીના આધારે માધવપુર પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અરજી મળ્યા બાદ માધવપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. માધવપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પોરબંદરની રૂપાળીબા હોસ્પિટલ ખાતે ઊંડાણપૂર્વક તપાસ કરી વિગતો મેળવી હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે, અરજદાર યુવાનની પત્નીએ ખરેખર બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના રેકર્ડ પરથી બાળકના જન્મની વિગતો સ્પષ્ટ થતાં પોલીસે મહિલાની ખાનગીમાં પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછની સાથે સાથે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન પોલીસને ઓડદર ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં કેટલાક બાયોલોજીકલ અવશેષો મળી આવ્યા હતા. અને તે અવશેષોનો કબજો લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. મહિલા આયોગ અને બાળ સુરક્ષા આયોગ પણ આવા કિસ્સાઓમાં સુઓમોટો લઈને તપાસ કરતા હોય છે. જો આ કેસમાં હત્યા સાબિત થશે તો આરોપીઓને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ પણ કડક સજા થઈ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક