• બુધવાર, 02 એપ્રિલ, 2025

અતિથિ - દેવ કે દાનવ?

લોકસભામાં ઈમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ, 2025ની ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે બિઝનેસ, શિક્ષણ અને રોકાણ માટે ભારતમાં આવતા વિદેશીઓનું સ્વાગત છે, પરંતુ જે લોકો દેશની સુરક્ષા માટે ખતરો ઊભો કરે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. આ દેશ કોઈ ધર્મશાળા નથી. આ બિલની એક મહત્ત્વની જોગવાઈ એ છે કે ભારતમાં પ્રવેશવા, રહેવા કે બહાર જવા માટે બનાવટી પાસપોર્ટ કે વિઝાનો ઉપયોગ કરનારી વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલ સજા અને દંડ બન્ને થશે. આ દંડની રકમ મહત્તમ 10 લાખ રૂપિયા છે. આ ખરડામાં ભારતની મુલાકાત લેનારી દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખવાની જોગવાઈ પણ છે.

અમેરિકા સહિત દુનિયાભરમાં જ્યારે ગેરકાયદે પ્રવાસીઓ અને રહેવાસીઓને લઈ દેશ નિકાલ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે ભારતમાં પ્રવાસન નીતિના ખરડા પરની ચર્ચા ધ્યાન ખેંચે છે. સ્વતંત્રતા પછી ભારત આવનારા લોકોને લઈ ભારતે સખતાઈ રાખી નથી આનું કારણ છે કે ભારતથી અલગ થયેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ ઉપરાંત પડોશી નેપાળ, ભુતાન, મ્યાનમાર, શ્રીલંકા, અફઘાનિસ્તાનથી લોકો ભારત આવી રહેવા-વસવા લાગ્યા છે. ભારત અન્ય દેશોના લોકો માટે સુરક્ષિત દેશ રહ્યો છે, પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. ખોટી મુરાદથી આવનારા પ્રવાસી, ગેરકાયદે નાગરિકો ભારત માટે સમસ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં ઈમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ, 2025ની ચર્ચા દરમિયાન જવાબમાં બે ટૂંકા સંદેશ આપ્યા છે કે ભારત કોઈ ધર્મશાળા નથી કે કોઈપણ જ્યારે ઇચ્છે ત્યારે અહીં આવીને રહે. અશાંતિ સર્જવા માટે આવનારાઓને સરકાર કઠોરતાથી પહોંચી વળશે. જોવામાં આવ્યું છે કે દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા આતંકવાદ, હિંસા, ડ્રગ્સ, દાણચોરી વગેરેમાં લિપ્ત રહે છે, જે દેશની શાંતિમાં ખળભળાટનું કારણ બની રહ્યા છે. નવા ખરડામાં જોગવાઈ છે કે, ભારતમાં વ્યાપાર, શિક્ષણ અને રોકાણ માટે આવનારાઓનું સ્વાગત થશે, પરંતુ શંકાસ્પદ અને ખોટી મુરાદથી અને અશાંતિ ફેલાવનારા મનસૂબા સાથે ઘૂસનારાઓને કડકાઈથી પહોંચી વળવામાં આવશે. શાંતિ અને સુરક્ષા માટે આ નીતિ આવશ્યક છે. ભારતમાં કોણ આવે છે અને કેટલા સમય માટે રોકાય છે, દેશની સુરક્ષા માટે સરકારને આ જાણવાનો અધિકાર છે. ભારતે હજી સુધી શરણાર્થી સંબંધી આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. આની પાછળ દલીલ છે કે પાંચ હજાર વર્ષથી પ્રવાસીઓ વિશે ભારતનો ટ્રેક રેકોર્ડ બિનકલંકિત રહ્યો છે અને કોઈ શરણાર્થી નીતિની આવશ્યક્તા નથી. ભારતનો શરણાર્થી પ્રતિ એક ઇતિહાસ રહ્યો છે. અતિથિ દેવો ભવ: પારસી ભારતમાં આવ્યા. ઈઝરાયલથી યહૂદી ભારતમાં આવી રહ્યા છે. કાળક્રમમાં અનેક લોકો ભારતમાં વસવાની દૃષ્ટિએ આવ્યા છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, અશાંતિ ફેલાવનારાઓને રોકવા આવશ્યક છે.

આખી દુનિયાના અર્થતંત્રની સૂચિમાં ભારત એક ‘બ્રાઈટ સ્પૉટ’ બનીને ઉદય પામ્યો છે. એક વિભિન્નપૂર્ણ કેન્દ્ર બન્યો છે તેથી દેશમાં આવનારાઓની સંખ્યા વધશે. ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે આવનારા દેશ માટે ‘એસેટ’ હશે, પરંતુ અસ્થિરતા અને અશાંતિ ફેલાવવા કોઈ આવશે તો ચલાવી શકાય નહીં. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો જે રીતે સરકાર માટે સંકટ બન્યા છે. ભારત છ પડોશી દેશોના પ્રતાડિત લોકોને નાગરિક્તા સંશોધન કાયદાના માધ્યમથી નાગરિક્તા આપી રહ્યો છે. ભારતને એક સુરક્ષિત અને નાગરિક વિનિમય રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવો આવશ્યક છે. નાગરિક્તાને લઈ ભારતની સોફ્ટ પાવરની છબીને બદલીને આકરી દેખરેખ સાથે નિયમ આધારિત બનાવવી જોઈએ. નાગરિકતાના પ્રશ્ને રાજનીતિ નહીં થવી જોઈએ. અતિથિ દેવને બદલે દાનવ આતંકી આવે તો તેનું ‘સ્વાગત’ યોગ્ય રીતે જ થવું જોઈએ અને થશે જ તેવી સ્પષ્ટ ચેતવણી ગૃહપ્રધાન અમિત શાહે આપી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક