• બુધવાર, 02 એપ્રિલ, 2025

ગુનેગારોની યાદી તો તૈયાર, પણ સમાન પગલાંની સૂચના જરૂરી

સુખ અને શાંતિ માટે દેશભરમાં આદરપાત્ર સ્થાને રહેલા ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ગુનાખોરીના વધી રહેલા પડકારે સરકારથી માંડીને સામાન્ય નાગરિકો સૌની ચિંતા વધારી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો અને મહાનગરોમાં લુખ્ખા અને ગુનાહિત તત્ત્વોએ ખુલ્લેઆમ ગુંડાગીરી આચરીને સામાન્ય લોકોમાં ડરનો માહોલ ખડો કરવાના વધી રહેલા  બનાવોને નાથવા રાજ્યના પોલીસ તંત્રે કમર કસી છે.  ગુનાહિત તત્ત્વોમાં કાયદાનો ડર જળવાયેલો રહે તે માટે પોલીસે વ્યાપક કાર્યવાહી હાથ ધરવી  શરૂ કરી છે.

રાજ્ય પોલીસવડા વિપુલ વિજોયે તમામ પોલીસ થાણાને 100 કલાકમાં ગુનેગારોની  યાદી તૈયાર કરવા અપાયેલાં આખરીનામાની અસર વર્તાઈ રહી છે.  પોલીસે આવા હજારો  ગુનેગારની  યાદી તૈયાર કરી લીધી છે, પણ હવે આ યાદી તૈયાર થયા બાદ કેવી કાર્યવાહી કરવી એવા કોઈ સ્પષ્ટ આદેશ કે સૂચનાના અભાવમાં વિવિધ જિલ્લા અને મહાનગરોમાં પગલાં લેવાની એકસૂત્રતાનો અભાવ ઊડીને આંખે વળગી રહ્યો છે. હાલત એવી છે કે, ક્યાંક બુલડોઝર ચાલવા લાગ્યું છે, તો એક તરફ રાજ્ય પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે પંકાયેલા બુટલેગરોનાં નામોની યાદી જાહેર કરીને આવનારા દિવસોમાં તેમની સામે નક્કર કાર્યવાહી કરવાનો ઈરાદો વ્યક્ત કરી દીધો છે, જિલ્લા અને મહાનગરોના પોલીસતંત્રોએ આવી યાદીમાં સામેલ ગુનેગારોની સંખ્યા માત્ર જાહેર કરી છે. આમ તો ગુજરાત સરકારે કુખ્યાત ગુનેગારોની સામે પાસા અને ગુજસીટોક જેવા કડક કાયદા તળે પગલાં લીધાં છે, પણ હવે ઉત્તરપ્રદેશમાં બુલડોઝરની નીતિને અનુસરીને ગુનાહિત તત્ત્વોના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવા શરૂ કર્યા છે.  સ્વાભાવિક રીતે આવાં પગલાંથી ગુનાહિત તત્ત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. ગુજરાતને લાગે વળગે છે ત્યારે સસ્તા સોનાથી માંડીને છેતરપિંડીના અન્ય કીમિયા કરનારા ગુનેગારોની રાજ્ય અને દેશમાં ભારે રાડ છે. તેમની સામે સંખ્યાબંધ ગુના નોંધાયા હોવા છતાં પાસાના કે ગુજસીટોકના અમુક પગલાંને બાદ કરતાં કોઈ નક્કર ધાક બેસાડતી કાર્યવાહી થઈ ન હોવાની પ્રતીતિ સામાન્ય લોકોને થઈ રહી છે. ખેરખર તો આવા તત્ત્વોના ગેરકાયદે બાંધકામની ફાઈલોમાં બંધ વિગતોને બહાર કાઢીને તેમની સામે બુલડોઝર ચલાવવાની હિંમત વહીવટતંત્ર અને પોલીસતંત્રે કરવાનો સમય આવી ગયો છે. 

રાજ્ય સ્તરે સરકારે ન્યાયતંત્રને વિશ્વાસમાં લઈને આવા ગુનાહિત તત્ત્વોની સામે કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી વધુ ધારદાર અને વ્યાપક બનાવવાની તાતી જરૂરત છે.  પોલીસતંત્રને 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવા કહેવાયું તે ખરેખર આવકાર્ય ગણી શકાય બાકી પોલીસ આવી યાદી ગણતરીના કલાકોમાં તૈયાર કરી શકવા સક્ષમ હોય છે. ખરેખર તો હવેના તબક્કામાં રાજ્યભરમાં ગુનાહિત તત્ત્વોની સામે કાર્યવાહીમાં એકસૂત્રતા જળવાય તે માટેની સ્પષ્ટ માર્ગદર્શક સૂચનાઓ અપાય તો પોલીસનો અને કાયદાનો ડર આવા તત્ત્વોમાં ફરી પ્રસ્થાપિત થાય અને લોકો ફરી રાહતનો શ્વાસ લઈ શકે.

ઇ-પેપરના નવા શુલ્ક