• મંગળવાર, 14 મે, 2024

ટેલિકૉમ : આશાસ્પદ સિગ્નલ

વોડાફોન આઈડિયાના પબ્લિક ઇશ્યૂને મળેલી જ્વલંત સફળતા માત્ર કંપની જ નહિ પરંતુ સમગ્ર ટેલિકોમ ઉદ્યોગ માટે આશાસ્પદ સંકેત છે. વોડાફોન આઈડિયાનો રૂ. 18,000 કરોડનો ઇશ્યૂ લગભગ છ ગણો ભરાઈ ગયો, વિદેશી રોકાણકારોનો પ્રતિભાવ ઉત્સાહપ્રેરક હતો અને કંપનીના પ્રમોટરોએ બીજા રૂ. 2075 કરોડ પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ મારફત ઉમેર્યા તે બતાવે છે કે મેનેજમેન્ટ તેમ જ રોકાણકારોને કંપનીમાં વિશ્વાસ છે. હવે તે બીજા રૂ. 25,000 કરોડ બજારમાંથી ઉભા કરવા માગે છે. જો તે આ નાણાંમાંથી 5જી સેવાઓ શરુ કરી શકે અને 4જી સેવાઓમાં પોતાની હાજરી મજબૂત કરી શકે તો તે બીજી બે કંપનીઓ સામે બજારમાં ઉભી રહી શકે અને ટેલિકોમ ઉદ્યોગ માત્ર બે ખેલાડીઓની બજાર (ડ્યુઓપોલી) બનતો અટકે. 

જો કે આ રૂ. 45,000 કરોડથી વોડાફોનનો દહાડો વળવાનો નથી. એક, તેના પર માથાના વાળ જેટલું કરજ છે. 2023ના અંતે તેના પર રૂ. 2.15 લાખ કરોડનું દેવું હતું જેમાં સ્પેક્ટ્રમ પેટેના રૂ. 1.38 લાખ કરોડ અને એજીઆર (એડજસ્ટડ ગ્રોસ રેવન્યૂ) પેટેના રૂ. 69,000 કરોડનો સમાવેશ થાય છે. બેંકોના રૂ. 6050 કરોડ અને ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેંચર્સના રૂ. 1660 કરોડ અલગ. બીજું, વોડાફોનનો ગ્રાહક વર્ગ ત્રણે ટેલિકોમ કંપનીઓમાં સૌથી નાનો છે. ટ્રાઈના આંકડા મુજબ જાન્યુઆરીના અંતે વોડાફોનના 2.21 કરોડ ગ્રાહકો હતા, જે ભારતી એરટેલના 3.82 કરોડ અને જિયોના 4.64 કરોડથી ઘણા ઓછા છે. આ નાનકડા ગ્રાહકવર્ગમાં પણ ઘણા ઓછી કસદાર 2જી સેવાના ગ્રાહકો છે. પરિણામે વોડાફોનનું એર્પુ (એવરેજ રેવન્યૂ પર યુઝર--ગ્રાહકદીઠ સરેરાશ માસિક કમાણી) માત્ર રૂ. 145 છે, જયારે જિયોની રૂ. 182 અને એરટેલની રૂ. 208 છે. ત્રીજું, સ્પેક્ટ્રમ અને એજીઆરની ચૂકવણી મોકૂફીની મુદ્દત સપ્ટેમ્બર 2025માં પૂરી થાય છે. વોડાફોને 2015-26માં રૂ. 27,000 અને પછી પાંચ વર્ષ સુધી દર વર્ષે સરેરાશ રૂ. 41,500 કરોડ ભરવાના આવશે.

પબ્લિક ઇશ્યૂ તો પાશેરામાં પહેલી પૂણી છે. વોડાફોનનું સૌથી પહેલું કામ પોતાની કમાણી વધારવાનું છે. તે તેના 2જી સેવાઓના ગ્રાહકોને 4જીમાં લઇ આવે અને આવતા 24-30 મહિનામાં તેના 40 ટકા ગ્રાહકોને 5જી સેવામાં આવરી લઇ શકે તેની કમાણી વધે. પરંતુ 5જી સેવાઓ શરુ કરવા માટે તેને જરૂરી મૂડી મળે છે કે નહિ તે જોવાનું છે. 

ટેલિકોમ ઉદ્યોગ, અને ખાસ કરીને વોડાફોન માટે રાહતના બે સમાચાર છે. એક, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને અરજ કરી છે કે તે પોતાના 2012ના ચુકાદામાં થોડું પરિવર્તન કરે અને અમુક કિસ્સાઓમાં લિલામ સિવાયના માર્ગે પણ સ્પેક્ટ્રમની ફાળવણી કરવાની મંજૂરી આપે. ઉદ્યોગનું, અને ખાસ કરીને વોડાફોનનું મોટા ભાગનું કરજ સ્પેક્ટ્રમને લગતું જ છે એ સંદર્ભમાં આ ઘટના મહત્ત્વની છે. બીજું, ટેલિકોમ ઉદ્યોગે સુપ્રીમ કોર્ટના એજીઆર સંબંધી ચુકાદાની પુન:સમીક્ષા માટૅ ક્યુરેટિવ પિટિશન કરી છે. ઓક્ટોબર 2019ના ચુકાદામાં કોર્ટે ટેલિકોમ કંપનીઓની સરેરાશ કુલ કમાણી (એજીઆર)ની સરકારની વ્યાખ્યા સ્વીકારી લીધી હતી જેને લીધે ટેલિકોમ ઉદ્યોગ પર રૂ. 4.70 લાખ કરોડનો ભાર આવી પડ્યો હતો, જેમાં રૂ. 58,000 કરોડ એકલા  વોડાફોનના હતા. જો આ પિટિશનનો ચુકાદો ઉદ્યોગની તરફેણમાં આવે તો કંપની પરનું ભારણ ઘણું ઓછું થાય. હાલના સંજોગોમાં વોડાફોન માત્ર સેવાઓના દર વધારીને તરતી રહેવાની આશા રાખી શકે તેમ નથી. જો સરકાર ટેલિકોમ ઉદ્યોગને ડ્યુઓપોલીથી બચાવવા માગતી હોય તો તેણે ફરી એકવાર વોડાફોનનું કેટલુંક કરજ ઇક્વિટીમાં ફેરવી નાખવાની દિશામાં વિચારવું રહ્યું. 

 

ઇ-પેપરના નવા શુલ્ક