તમામ શાળાઓમાં તપાસ આદરાઇ : બોમ્બ સ્ક્વોડ ધસી ગઇ : સરકારને માહિતી અપાઇ
જયપુર, તા. 13 : દિલ્હી અને અમદાવાદ બાદ હવે રાજસ્થાનમાં શાળાઓને બોમ્બની ધમકી મળતાં અફરાતફરી મચી હતી. જયપુર વિસ્ફોટની વરસીએ જ રાજધાનીની એક પછી એક 35 શાળાને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કોઈ અજાણી વ્યક્તિએ વહેલી સવારે શાળાના આચાર્યોને મેઇલ દ્વારા શાળાની ઈમારતમાં બોમ્બ હોવાની જાણ કરી હતી. બધી શાળાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી.
માહિતી મળતાં જ પોલીસની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ શાળાઓમાંથી બાળકોને બહાર કાઢવામાં આવ્યાં છે. પોલીસ મેઇલ મોકલનારી વ્યક્તિના ઈ-મેઈલ આઈડી વિશે માહિતી મેળવી
રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં જ જયપુર સહિત દેશનાં 12 એરપોર્ટને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
રાજસ્થાનના ડીજીપી યુ.આર. સાહુએ કહ્યું, અત્યાર સુધીમાં જયપુર શહેરની 35 શાળાને ઇ-મેઈલ મળ્યા છે. મેઈલ આવ્યા બાદ તમામ ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. સવારે છ વાગ્યાથી શોધખોળ ચાલુ છે. ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી મળી નથી. ઈ-મેઈલને શોધવા માટે સાયબર ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે સરકારને માહિતી આપવામાં આવી છે. ગભરાટનો મુદ્દો પ્રકાશમાં આવ્યો નથી. શાળાઓને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી વચ્ચે કેટલીક શાળાઓએ સ્વેચ્છાએ બાળકોને રજા આપી દીધી હતી. વાલીઓને જાણ કર્યા બાદ શાળા વહેલી બંધ કરાવવામાં આવી હતી. વાલીઓ પણ શાળાઓ પર ઊમટી પડયા હતા.