28 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં સહકાર
પેનલના તમામ ઉમેદવારો વિજેતા : હવે ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાશે
પૂર્વ ચેરમેન કલ્પકભાઇ મણિયાર પ્રેરિત
સંસ્કાર પેનલનો કારમો પરાજય
રાજકોટ,
તા.19 : રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીએ ગુજરાત સહિત દેશભરના સહકારી ક્ષેત્રનું ધ્યાન
ખેંચ્યું હતું કારણ કે 28 વર્ષ બાદ નાગરિક બેંકની ચૂંટણી યોજાઇ રહી હતી 21 બેઠકોમાંથી 6 બેઠક બિનહરિફ થઇ હતી અને 15 બેઠક
માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં પણ વર્તમાન સંચાલક અને સંઘ-ભાજપ પ્રેરિત સહકાર પેનલે
તમામ બેઠક કબજે કરીને સંસ્કાર પેનલને જબરી પછડાટ આપી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના 21 ડિરેક્ટરોની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં સહકાર પેનલને
6 બેઠકો બિનહરીફ મળ્યા બાદ 15 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં બે મહિલા અનામત
સહિત તમામ 15 બેઠકમાં સહકાર પેનલના ઉમેદવારોએ 80 ટકાથી વધુ મતો મેળવીને વિજય મેળવ્યો
હતો. બેન્કમાં ફ્રોડની આક્ષેપબાજી અને તેમાં પોલીસ તપાસ સહિતની માગણી સાથે બેન્કના
વર્તમાન સંચાલકોની સામે પ્રશ્ન ઉઠાવીને ચૂંટણીમાં ઝૂંકાવનાર પૂર્વ ચેરમેન કલ્પકભાઇ
મણિયાર અને તેના અન્ય ત્રણ સાથીદારોના ફોર્મ રદ થયા બાદ તેની પેનલમાં 11 ઉમેદવારો ચૂંટણી
લડયા હતા. જ્યારે સહકાર પેનલ 6 બેઠકો બિન હરિફ કબજે કર્યા બાદ 15 બેઠકો પર ઉમેદવારો
ઉભા રાખ્યા હતા જે તમામમાં વિજેતા બન્યા છે. સોમવારના મતદાન બાદ આજે યોજાયેલી મત ગણતરીમાં
કુલ 2345 મતની ગણતરી થઇ હતી. જેમાં ચાર મતો રીજેક્ટ થયા બાદ 2341માંથી સહકાર પેનલે
તમામ બેઠકો પર 148થી 160 જેટલા મતો મેળવ્યા હતા.
સૌથી
વધુ મત પ્રથમ વખત બેન્કના બોર્ડ ઓફ ડીરેક્ટરમા પ્રવેશ કરનાર અને પંચનાથ ટ્રસ્ટના વડા
તેમજ કોર્પોરેટર દેવાંગભાઇ માંકડને 160 મત મળ્યા હતા. સંસ્કાર પેનલના મોટાભાગના ઉમેદવારો
30થી 37 મતો મેળવી શક્યા હતા. મતગણતરીમાં જિલ્લા કલેક્ટર દ્વારા સતત મોનીટેરીંગ કરવામાં
આવ્યું હતું. હવે આ વિજય સાથે આગામી દિવસોમાં બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચેરમેન
અને વાઇસ ચેરમેનની ચૂંટણીઓ યોજાશે.
બેંકને
કૌભાંડ મુક્ત બનાવીને જ જંપીશું : કલ્પકભાઇ મણીઆર
સંસ્કાર
પેનલના કલ્પકભાઇ મણીઆરએ જણાવ્યું હતું કે આ ચૂંટણીથી સૌથી મોટો લાભ તો એ થયો છે કે
બેંકનું ગેર શાસન અને કૌભાંડની હકીકતો જાહેર જનતા સમક્ષ આવી છે. સત્તા નહીં પરંતુ સત્ય
એ સંઘના સાચા સ્વયં સેવકનું કર્તવ્ય છે જે અમોએ નિભાવ્યું છે. અને રાજકોટ નાગરિક બેંકને
કૌભાંડ મુક્ત બનાવીને જૂના ભવ્ય ભૂતકાળ જેવું સુવર્ણ ભવિષ્ય બનાવવા બેંકની બહાર રહીને
પણ કામ કરતા રહીશું.