અજિત
પવાર દિલ્હી રવાના : મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને લઈને સવાલો યથાવત્
નવી
દિલ્હી, તા. 2 : એકનાથ શિંદે રવિવારે સાંજે સતારા સ્થિત પોતાનાં ગામથી પરત ફર્યા હતા.
ત્યારબાદ કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની
બેઠક હશે. જેમાં સરકાર બનાવવાના ફોર્મ્યુલા ઉપર અંતિમ મહોર લાગી શકે છે. જો કે આ દરમિયાન
એકનાથ શિંદેએ ફરીથી પોતાની તમામ બેઠકોને રદ કરી દીધી છે. નજીકનાં સૂત્રોના કહેવા પ્રમાણે
એકનાથ શિંદેને હજી પણ તાવ છે. શિંદે સોમવારે પોતાના વિધાયકો સાથે પણ મિટિંગ કરવાના
હતા પણ આ બેઠક ટાળવામાં આવી છે. શિંદેના કહેવા પ્રમાણે તેઓ હજી પણ ફીવરથી પીડિત છે.
શિંદેનાં
નિવેદન છતાં પણ સવાલ ઊઠી રહ્યો છે કે તેઓ કોઈ દબાવની રણનીતિ કરી રહ્યા છે અને તેનાં
કારણે બેઠકો ટાળી રહ્યા છે ? બીજી તરફ ડેપ્યુટી સીએમ અજીત પવાર દિલ્હી રવાના થવાના
છે. હજી સુધી નક્કી નથી કે અજીત પવાર કયા હેતુથી દિલ્હી જીઈ રહ્યા છે પણ કયાસ લાગી
રહ્યો છે કે તે ભાજપનાં શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરી શકે છે. અજીત પવાર સાથે સુનિલ
તટકરે અને પ્રફુલ્લ પટેલ પણ દિલ્હી જઈ રહ્યા છે. બીજી તરફ ભાજપ તરફથી પાંચમી ડિસેમ્બરના
રોજ શપથગ્રહણની સમારોહની તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
તમામ
ભાગદોડ વચ્ચે ભાજપના વિધાયક દળની બેઠક હજી સુધી થઈ શકી નથી. હજી સુધી રાહ જોવાઈ રહી
છે કે ભાજપ કયા નેતાને સીએમ તરીકે આગળ વધારશે. એકનાથ શિંદેને લઈને દાવો કરવામાં આવી
રહ્યો છે કે તેઓ હોમ મિનિસ્ટ્રી માટે દબાણ કરી રહ્યા છે જ્યારે એકનાથ શિંદેના પુત્ર
શ્રીકાંતને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી પણ ચર્ચા છે. આ મામલે શ્રીકાંત શિંદેએ
પોતાને ટ્વિટ કરીને કહ્યું હતું કે તેઓને સત્તાની કોઈ ચાહ નથી.