• ગુરુવાર, 02 મે, 2024

પાલિતાણાના આદપુરમાં દીપડાના હુમલાથી મહિલાનો જીવ ગયો સીમ વિસ્તારમાં વહેલી સવારે કર્યો હતો હુમલો સારવારમાં મૃત્યુ થયું

પાલિતાણા, તા.16: પાલિતાણા પંથકમાં દીપડા સહિતના રાની પશુઓનો વારંવાર ત્રાસ રહેતો હોય લોકો સતત ભયના ઓથાર તળે જીવે છે ત્યારે પાલિતાણા તાલુકાનાં આદપુર ગામે આજે વહેલી સવારે સીમમાં જઈ રહેલા મહિલા પર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 

પાલિતાણા તાલુકાનાં આદપુર ગામે વાડી વિસ્તારમાં રહેતાં કાંતુબેન ગોબરભાઈ મકવાણા (ઉં.55) આજે વહેલી સવારે સીમમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ કાંતુબેન ઉપર હુમલો કરી દીધો હતો. આથી તેમણે દેકારો કરતા આજુબાજુની વાડીમાંથી લોકો દોડી આવ્યા હતા. જેથી દીપડો નાસી છૂટયો હતો. જો કે, ગંભીર રીતે ઘવાયેલાં કાંતુબેનને સારવાર  માટે ભાવનગર દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે, ભાવનગર જિલ્લાના પાલિતાણા, તળાજા, મહુવા અને સિહોર સહિતના વિસ્તારોમાં રાની પશુઓના આંટાફેરા વધી રહ્યા છે. સમયાંતરે પશુઓના બાંટવા કર્યાની ઘટના સામે આવે છે.

તાલાલાના સેમરવાવમાં 7 વર્ષની બાળા પર દીપડાનો હુમલો, મૃત્યુ

તાલાલા, તા.16 : તાલાલા તાલુકાના સેમરવાવ ગામે વાડી વિસ્તારમાં રહેતા દીપકભાઈ રાઠોડની પુત્રી જીયા (ઉં.7) ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક જંગલમાંથી આવી પહોંચેલા દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીએ રાડારાડી કરતા દીપડો બાળકીને છોડી નાશી ગયો હતો ત્યારબાદ સારવાર માટે 108 મારફત બાળકીને વેરાવળ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બાળકીને ગળા તથા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક