• શુક્રવાર, 03 મે, 2024

રૂપાલાએ ક્ષત્રિય સમાજની દિલથી માફી માગી છે, હું પણ માગું છું : અમિત શાહ

વિવાદને ડામવાના ભાજપના પ્રયાસો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સાથે બંધ બારણે બેઠક કરતાં કેન્દ્રિય મંત્રી

અમદાવાદ, તા. 18 : કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન મુદ્દે પ્રથમવાર ગૃહમંત્રી અમિત શાહે પોતાની પ્રતિક્રિયા આપી છે.

શાહે જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે ત્યારે હું પણ આ મામલે માફી માંગુ છું. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું જે બાદથી ક્ષત્રિયો રૂપાલાના વિરોધમાં છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા ક્યાંકને ક્યાંક આ વિવાદને ડામવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગત બુધવારે મોડી રાત્રે મુખ્યમંત્રી તેમજ સી આર પાટીલ અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બંધ બારણે 15-20 મિનિટ ચર્ચા કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ બેઠકમાં અમિત શાહ સમક્ષ ક્ષત્રિય નેતાઓની વાત પહોંચાડાઈ હતી.

ત્યારે બીજી તરફ ગઈ કાલે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ભાજપની સભા કે રેલીમાં કાળા વાવટા બતાવી વિરોધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ સાથે જે જાહેરનામાનો ભંગ કરશે તેની પર કાર્યવાહી કરવામાં આવશે તેવી સુચના પણ આપવામાં આવી છે. જો કે વિરોધને ડામવાના આ પ્રયાસમાં ભાજપ કેટલું સફળ થાય છે તે જોવાનું રહે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક