• ગુરુવાર, 02 મે, 2024

નાવલી નદીમાં મિત્રો સાથે નાહવા પડેલા બે સગા ભાઈના ડૂબી જતા મૃત્યુ ધૂળેટી પર્વએ ત્રણ મિત્રોના મૃત્યુ  બાદ ફરી ઘટના બનતા અરેરાટી

તળાજા, તા.18 (ફૂલછાબ ન્યૂઝ): તળાજા પંથકમાં મણાર ગામની નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રોના ડૂબી જવાની સર્જાયેલ કરુણાંતિકા બાદ આજે વધુ એક અરેરાટી ઉપજાવતી ઘટના ઉંચડી ગામે બનવા પામી છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પાંચ મિત્રો ગામની નાવલી નદીમાં ન્હાવા ગયા હતા.જેમા બે સગા ભાઈઓ ના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.

મળતી વિગતો મુજબ બાબર જ્ઞાતિના અશોકભાઈ મોહનભાઇ ભેડાના બે પુત્રો દર્શન (ઉ.વ.13) જે ધો.8 અને દક્ષ (ઉ.વ.11) જે ધો.6 માં અભ્યાસ કરતા હતા. આ બંને સગા ભાઈઓ ગામના સાથી મિત્રો યુવરાજ, દર્શક અને પાર્થ સાથે ગામની સીમમાં આવેલ નાવલી નદીના પાણીમાં ગરમીથી રાહત મેળવવા બપોરના સમયે ન્હાવા ગયા હતા.

કાળ જાણે અહીં રાહ જોઈને જ બેઠો હોય તેમ બંને સગાભાઈઓ મિત્રોની નજર સમક્ષ જ ડૂબવા લાગ્યા હતા. બાળકોએ તેની જાણ નજીકની વાડીઓ વાળાને કરતા ગામના સેવાભાવી લોકો દોડી આવીને બાળકોને બચાવવા પાણીમાંજાબકયા હતા. બંને ભાઈઓને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકના પિતા ઘરે આરી ભરતનું કામ કરે છે. જ્યારે માતા ખેત મજૂરી કરીને જીવનનિર્વાહ ચલાવવામાં મદદ કરે છે.

બનાવના પગલે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તા.પં. પ્રમુખ રાણાભાઈ સોલંકી, જિલ્લા પં. ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી સહિતના રાજકીય સામાજિક આગેવાનો, ઉંચડી ગામના લોકો સાંત્વના આપવા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે આફતગ્રસ્ત ભેડા પરિવારના સભ્યો મોટાભાગના સુરત વરાછા ખાતે સ્થાયી થયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક