• ગુરુવાર, 11 જૂન, 2026

પીએમ મોદીનાં શાસનનાં 12 વર્ષ થતાં અભિનંદનનો વરસાદ

અમેરિકાએ કહ્યું, ઉપલબ્ધિ સમર્પિત જનસેવા અને નેતૃત્વનું પ્રમાણ : જોર્જિયા મેલોની સહિત વૈશ્વિક નેતાઓએ આપી શુભકામના

નવી દિલ્હી, તા. 10 : નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સૌથી લાંબો સમય સુધી ભારતમાં શાસન કરવાનો આજે વિક્રમ રચ્યો છે ત્યારે દેશ અને દુનિયામાંથી નામી અનામી નેતાઓ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જેમાં અમેરિકાએ શુભેચ્છા પાઠવવાની સાથે કહ્યું હતું કે, આ ઉપલબ્ધિ દશકોની પીએમ મોદીની સમર્પિત જનસેવા અને નેતૃત્વનું પ્રમાણ છે. આ ઉપરાંત ઈટાલીના પીએમ મેલોની સહિત અન્ય નેતાઓએ પણ પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી હતી.

ઈટાલીયન પીએમ જોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન, તેઓ ભારતના ઈતિહાસના સૌથી લાંબો સમય સેવા કરનારા ચૂંટાયેલા પીએમ બન્યા છે. રોમમાં મુલાકાત કરીને અને એક વિશેષ રણનીતિક ભાગીદારી શરૂ કરીને ખૂબ જ ખુશી થઈ છે.

ભારતમાં ઈઝરાયલના રાજદૂત રૂવેન અજારે કહ્યું હતું કે, ઈઝરાયલના સૌથી લાંબો સમય પીએમ રહેનારા મિત્ર નેતન્યાહુની જેમ મોટા સુધારા મારફતે મોદીએ ભારતીય અર્થવ્યવસ્થાને બદલી છે અને દેશને સફળતાની રાહ ઉપર આગળ વધાર્યો છે. મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમે કહ્યું હતું કે ભારતના વિકાસ, સમૃદ્ધિ અને વૈશ્વિક મંચ ઉપર દેશનો રૂતબો વધારવામાં મોદીની ઉપલબ્ધિ તેમના સમર્પિત સાર્વજનિક જીવન અને નેતૃત્વને દર્શાવે છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ કુમારા દિસાનાયરેકે એક્સ ઉપર લખ્યું હતું કે, ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ચૂંટાયેલા પીએમ બનવા ઉપર મોદીને હાર્દિક અભિનંદન જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ કહ્યું હતું કે, માલદીવ પરસ્પર સન્માન, સંપ્રભુ સમાનતા અને પરસ્પરના હિતના આધારે ભારત સાથેનો સહયોગ વધારે મજબૂત કરવા તત્પર છે.

ભૂતાનના પીએમએ પીએમ મોદી માટે એક લાંબોબ પત્ર લખ્યો હતો. ત્શેરિંગ તોબગેએ આ દરમિયાન પીએમ મોદીને મિત્ર અને માર્ગદર્શક ગણાવ્યા હતા તેમજ જનસેવા પ્રત્યેનાં સમર્પણની પ્રશંસા કરી હતી. આવી જ રીતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ, મંગોલિયાના રાષ્ટ્રપીત ઉખનાગીન ખુરેલસુખ વગેરેએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવતા તેમના કાર્યકાળ અને કામગીરીની પ્રશંસા કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક