બેન્ક
ખાતામાં 2 દિવસમાં 4 કરોડના ટ્રાન્જેક્શન થતા પોલીસે તપાસ આદરી હતી
અમરેલી,
તા.10 : અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નવાણીયા ગામના એક વેપારીને એક વેબસાઇટ/પ્લેટફોર્મ
પર ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી રૂ.92,75,514ની ઓનલાઇન
ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા
પોલીસ અધિક્ષક સંજય ખરાતનાં માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન
પોલીસને મોટી સફળતા મળી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં
આવી છે.
પકડાયેલો
આરોપી ગણપત બાબુલાલ પટેલ રાજસ્થાનના નાગોર જિલ્લાનો રહેવાસી છે અને વકીલાતનો વ્યવસાય
કરે છે. તેની પૂછપરછમાં સામે આવ્યું કે તેના બેન્ક ખાતામાં માત્ર બે જ દિવસમાં અંદાજે
4 કરોડના શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયા હતા, જેમાં ભોગ બનનાર વેપારીના 10,77,400 પણ જમા
થયા હતા. પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.