વડાપ્રધાન
પદે 12 વર્ષ પૂર્ણ કરતાં નરેન્દ્ર મોદીનું એનડીએનાં સ્નેહમિલનમાં સંબોધન : વિકસિત ભારત
હવે કોઈ રાજકીય નારો નથી, દેશવાસીઓનું અભિયાન છે
નવી
દિલ્હી, તા.10: ભારતીય લોકતંત્રનાં ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન પદે રહીને
નવો વિક્રમ રચતા નરેન્દ્ર મોદીએ શાસનનાં 12 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે દેશની જનતાનો આભાર
પ્રગટ કર્યો હતો અને ભારત મંડપમમાં એનડીએ ગઠબંધનનાં નેતાઓની બેઠકમાં તેમણે કહ્યું હતું
કે, આ યાત્રાનાં તમામ સાથીઓનો તેઓ આભાર માને છે. આ પ્રસંગે એનડીએનાં સદસ્યોએ એક પ્રસ્તાવ
રજૂ કર્યો જે બધા સાથી પક્ષોની ઉદારતા છે. તેમણે આગળ કહ્યું હતું કે, આ યાત્રાને તેઓ
વ્યક્તિગત ઉપલબ્ધિ નથી માનતા પણ સામૂહિક સિદ્ધિ છે. તેથી આ પ્રસ્તાવને તેમણે ભાજપ સહિત
સમગ્ર એનડીએ ગઠબંધન પરિવારનાં તમામ કાર્યકર્તાઓને સમર્પિત કર્યો હતો. તેમણે કહ્યું
હતું કે, આજે દુનિયાનાં મોટા દેશોની અર્થવ્યવસ્થા પણ સંઘર્ષ કરી રહી છે ત્યારે પણ ભારતે
7.7 ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યો છે. મોદીએ કહ્યું હતું કે, 12 વર્ષની સ્થિર સરકારનાં
શાસનમાં દેશ કોંગ્રેસનાં કુચક્રમાંથી આઝાદ થયો છે. કોંગ્રેસનાં વિશ્વાસઘાત પછી દેશવાસીઓએ
એનડીએ ઉપર ભરોસો મૂક્યો છે.
ભાજપ
સહિત એનડીએનાં ઘટકદળોનાં નેતાઓએ ઉમળકાભેર અભિવાદન કર્યા બાદ તેમણે કહ્યું હતું કે,
ભારતની જનતાનો વિવેક હંમેશા અદ્ભુત રહ્યો છે. દેશના લોકોએ રાષ્ટ્રીય સ્તરે રાજકીય સ્થિરતાનું
મહત્વ સમજ્યું છે. જનતાની પરિપક્વતાને કારણે જ તેમને લાંબા સમય સુધી દેશસેવાની તક મળી
છે. 2014 પહેલાંના ઘણા દાયકાઓ રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલથી ભરેલા હતા, જેના કારણે
દેશને નુકસાન થયું હતું. પરંતુ હવે દેશની જનતા સ્થિર સરકારનું કામ અને તેની નિર્ણાયક
ક્ષમતા બંને જોઈ રહી છે. આ માટે તેમણે જનતાનો આભાર માન્યો.
પ્રધાનમંત્રીએ
યાદ અપાવ્યું હતું કે, 2014માં એનડીએની જીત પછી તેમણે કહ્યું હતું કે દેશમાં નવી આશાનો
ઉદય થયો છે. કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશના લોકોએ પોતાનો વિશ્વાસ એનડીએ પર મૂક્યો
હતો.
મોદીએ
આગળ કહ્યું હતુંક ઁ, ‘મને સંતોષ અને ગર્વ છે કે એનડીએ પરિવારે દેશના આ વિશ્વાસને
વધુ મજબૂત બનાવ્યો છે. 2014માં ઉગેલો આશાનો સૂર્ય આજે નવા આત્મવિશ્વાસના પ્રકાશમાં
પરિવર્તિત થયો છે.‘ તેમણે દાવો કર્યો હતો કે એનડીએ સરકારના 12 વર્ષ દરમિયાન 25 કરોડથી
વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જે તેમની નીતિઓની સફળતા દર્શાવે છે. તેમણે વધુમાં
કહ્યું કે જે લોકો ગરીબીમાંથી બહાર આવીને નવા મધ્યમ વર્ગમાં પ્રવેશ્યા છે, તેમને ફરી
પાછળ જવા ન દેવું સરકારની જવાબદારી છે. ભારતના યુવાનો, મહિલાઓ, મધ્યમ વર્ગ અને ખેડૂતોની
તમામ આશાઓ પૂર્ણ કરવી જરૂરી છે.
મોદીએ
કહ્યું કે વિકસિત ભારતનું સ્વપ્ન હવે કોઈ એક રાજકીય પક્ષ કે વ્યક્તિનું નથી રહ્યું,
પરંતુ દેશના દરેક નાગરિકનું સપનું બની ગયું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે દરેક ક્ષણ
સમર્પિત કરવી પડશે. તેમણે કહ્યું કે એનડીએના 12 વર્ષની એક મોટી સિદ્ધિ એ પણ છે કે દેશ
કોંગ્રેસની ખોટી નીતિઓથી મુક્ત થયો છે. કોંગ્રેસના શાસનમાં વિકાસની ધીમી ગતિને ‘હિંદુ
ગ્રોથ રેટ’ નામ આપવામાં આવ્યું હતું, જ્યારે તેમની દૃષ્ટિએ તે ખરેખર ‘કોંગ્રેસ ગ્રોથ
રેટ’ કહેવાય તેવી સ્થિતિ હતી. તેમણે આરોપ લગાવ્યો કે તે સમયમાં ન તો યોગ્ય શાસન હતું,
ન સ્પષ્ટ નીતિ અને ન મજબૂત નિર્ણયશક્તિ.
મોદીએ
જણાવ્યું કે જ્યારે નીતિ, નિષ્ઠા અને નિર્ણાયકતા સાથે કામ થાય છે ત્યારે વિકાસ કેટલી
ઝડપથી થઈ શકે છે તે દેશે છેલ્લા 12 વર્ષમાં જોયું છે. 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા,
જ્યારે 2026માં તેમની સંખ્યા 160 થઈ છે. 2026માં 6,700 કિલોમીટર એક્સપ્રેસવે ઉપલબ્ધ
છે. 2014માં માત્ર 4 શહેરોમાં મેટ્રો સેવા હતી, જ્યારે હવે 20થી વધુ શહેરોમાં મેટ્રો
છે. રક્ષા ક્ષેત્રની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. 2014 સુધી દેશમાં માત્ર 25 કરોડ
ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હતા, જ્યારે આજે 100 કરોડ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. ડિજિટલ
પેમેન્ટ ક્ષેત્રમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે. 2014માં મોબાઇલ ફોન આયાત
થતા હતા, જ્યારે આજે દેશમાં જ 33 કરોડ હેન્ડસેટનું ઉત્પાદન થાય છે. ઈથેનોલ બ્લેન્ડિંગ
1.5%માંથી વધીને 20% સુધી પહોંચી ગયું છે.
તેમણે
કહ્યું કે સરકારની નીતિઓ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. યુવાનો
માટે કૌશલ્ય વિકાસ મંત્રાલય, સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલય અને માછીમારો માટે મત્સ્ય
મંત્રાલયની રચના તેનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2014 પહેલાં મધ્યમ વર્ગ
જટિલ કરવ્યવસ્થા, મર્યાદિત આવકના સ્ત્રોતો અને ભારે કરબોજનો સૌથી મોટો ભોગ બનતો હતો.
12 લાખ રૂપિયા સુધીની આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવી છે. મધ્યમ વર્ગના બાળકો
માટે વિવિધ ક્ષેત્રોમાં નવા અવસરો ઊભા થયા છે. ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર કરવા માટે
સરકાર સહાય કરી રહી છે. આયુષ્માન ભારત યોજનામાં આવક મર્યાદા વિના વરિષ્ઠ નાગરિકોને
સામેલ કરવામાં આવ્યા છે. આરોગ્ય વીમો અને જીવન સાથે જોડાયેલી અનેક વસ્તુઓ વધુ સસ્તી
બની છે. અંતમાં તેમણે કહ્યું કે આ પ્રયાસોના પરિણામે દેશનો મધ્યમ વર્ગ અનિશ્ચિતતાઓમાંથી
બહાર આવી રહ્યો છે અને આત્મવિશ્વાસ સાથે ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે.