• ગુરુવાર, 02 મે, 2024

કેજરીવાલ મીઠાઈ ખાઈને માંદા પડવાની તૈયારીમાં?

સુગર લેવલ વધારી સ્વાસ્થ્યના આધારે જામીન મેળવવા મિઠાઈ અને કેરી વધુ પડતા ખાઈ રહ્યા હોવાનો EDનો દાવો

નવી દિલ્હી, તા. 18 :  તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક અરજીને લઈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટમાં ઈડીએ પોતાની દલીલો કરતા કહ્યું હતું કે કેજરીવાલ સ્વાસ્થ્યના આધારે જામીન મેળવવાના પ્રયાસમાં છે. આ માટે કેજરીવાલ જેલમાં પુરી, બટેટા, કેરી અને મિઠાઈ હદ બહાર ખાઈ રહ્યા છે. જેથી સુગર લેવલ વધે અને તેના મારફતે જામીન મેળવી શકે. કેજરીવાલે એક અરજી દાખલ કરી હતી. જેમાં માગ કરવામાં આવી હતી કે વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સતત ચિકિત્સકના સંપર્કમાં રહેવા દેવામાં આવે.

સીએમ કેજરીવાલની અરજી ઉપર સુનાવણી બાદ ઈડીના વિશેષ વકીલ જોહેબ હુસૈને કહ્યું હતું કે, કોર્ટને કેજરીવાલનો ડાયેટ ચાર્ટ બતાવવામાં આવ્યો છે. જેમાં કેરી અને મિઠાઈ છે. અદાલતને કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ સુગર લેવલ વધારવા માટે જાણીજોઈને ગળ્યું ખાઈ રહ્યા છે. જે ડાયાબિટિસના દર્દીઓ માટે યોગ્ય નથી. બીજી તરફ કેજરીવાલના વકીલ વિવેક જૈન દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલને ઘરનું ભોજન ન મળે તે માટે ઈડી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. મુદ્દો કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. તેઓ જે કંઈ ખાઈ રહ્યા છે તે ચિકિત્સકો દ્વારા કહેવામાં આવ્યું છે. આ મામલો અદાલતમાં છે એટલે આ મુદ્દે અન્ય કોઈ બાબત કહી શકાય નહી.

કહેવાય છે કે ઈડીએ કહ્યું હતું કે કેજરીવાલ હદ બહાર ગળ્યું ખાઈ રહ્યા છે. કેજરીવાલને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને ટાઈપ-2 ડાયાબિટિસ પણ છે. કેજરીવાલ આવી પ્રવૃતિ સ્વાસ્થયના આધારે જામીન મેળવવા માટે કરી રહ્યા છે. તેઓ પોતાનું સુગર લેવલ વધારવા માગે છે.  હવે આ મામલે શુક્રવારે વધુ સુનાવણી કરવામાં આવશે. અદાલતે કેજરીવાલનો ડાયેટ ચાર્ટ અને મેડિકલ રિપોર્ટ જેલ પ્રશાસન પાસે માગ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક