• ગુરુવાર, 02 મે, 2024

આપને ચૂંટણી પહેલા મોટો ઝટકો : ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાનું રાજીનામું આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીને રાજીનામું મોકલ્યું

સુરત, તા.18: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આપ પણ ગુજરાતમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ખાસ કરીને સુરત વિસ્તરમાં આપ પાર્ટીનો પ્રભાવ જોવા મળે છે ત્યારે આ વિસ્તારના યુવા નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. 

વર્ષ 2019માં વિધાનસભામાં આપનો ચહેરો બનેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા એક સમયે રાજકીય પક્ષ ભાજપ માટે માથાનો દુ:ખાવો સાબિત થયા હતા. આજે બન્નેનાં રાજીનામાંથી રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે. બન્ને યુવા નેતા કયા પક્ષ સાથે જોડાય છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી. સૂત્રોનું માનીએ તો બન્ને ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. આ મામલે આગામી દિવસોમાં વિધિવત્ કોઈ જાહેરાત થાય તો નવાઈ નહીં.

પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને ગત વિધાનસભામાં આમઆદમી પાર્ટીએ ટિકિટ આપી હતી. જો કે બન્ને યુવા નેતાની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. બન્નેએ આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીને લેખિતમાં રાજીનામું આપી દીધું છે. 

બન્ને યુવા નેતાનાં રાજીનામા બાદ અનેક નાના મોટા કાર્યકરો પણ હવે આપમાં કામ કરવા માગતા ન હોવાની ચર્ચા ચાલી નીકળી છે. અગાઉ પાટીદાર આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશ બાદ પાસના આ બધા જ કાર્યકરો ધીમેધીમે ભાજપની કંઠી બાંધશે તેવું લાગી રહ્યું છે. 

 

રાજીનામાં અંગે ધાર્મિક માલવિયાએ કહ્યું કે, આમ પણ અમે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય ન હોતા. એટલે અમારાં રાજીનામાને લઈને કોઈ ઉહાપોહ ન થવો જોઈએ. અમે સામાજિક સંસ્થાઓ અને કાર્યો સાથે વિશેષ સંકળાયેલા છીએ અને સામાજિક કાર્યો કરતા રહીશું. હાલ કોઈ પાર્ટીમાં જોડાવાના નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક