લોકરંજનનો
વાઘ લોહી ચાખી ગયો છે અને વિકાસની ગાય થરથરી રહી છે. હિમાચલ, કર્ણાટક, ઝારખંડ અને મહારાષ્ટ્રં
પછી હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ ખેડૂતો, મહિલાઓ, યુવાઓ અને બીજા ઘણાઓને મફતિયા
લહાણીઓની જાહેરાત કરવા રાજકીય પાંખોમાં હોડ જામી છે. એક પક્ષ મુખ્ય મંત્રી મહિલા સમ્માન
યોજનાની રકમ મહિને રૂ. 1000થી વધારીને રૂ. 2100 કરવાનું વચન આપે છે, તો બીજો કહે છે
અમે રૂ. 2500 આપીશું. ત્રીજો લાડકી બહેનો માટે અલગ યોજના લાવવાની વાત કરે છે. મહિલાઓ,
મંદિરના પૂજારીઓ, ખેડૂતો, ગુરદ્વારાઓના ગ્રંથિઓ, બેકાર યુવાનો, મસ્જિદના ઇમામો, રિક્ષાવાળાઓ
જે સામે મળે તેને માટે કોઈક લોલીપોપ ખિસ્સામાં તૈયાર છે. વીજળી, પાણી, ગેસ સિલીંડર,
બસ મુસાફરી, વીમો -- જે મફત માગો તેનું વચન મળશે. આ પૈસા ક્યાંથી આવશે તે કોઈ કહેતું
નથી અને કોઈ પૂછતું પણ નથી. આવો તદ્દન બિનઉત્પાદક ખર્ચ કરવા માટે બીજા ક્યાં ખર્ચમાં
કાપ મૂકાશે એનો વિચાર પણ કોઈને આવતો નથી.
કેટલાક
કહે છે કે આવી સીધી સહાય આમજનતાની બેહાલીનો ટૂંકો અને સચોટ ઉપાય છે. બેકારી, મોંઘવારી
અને સ્થગિત વેતનોથી ત્રાસેલા નબળા વર્ગોના પરિવારો માટે વપરાશ ટકાવવાનું આ સરળ સાધન
છે. વિકાસને રૂંધનારા માગના અભાવનો ઈલાજ તેમાં રહેલો છે. પરંતુ સબસિડીઓ પાછળ બેફામ
ખર્ચ કરનારી રાજ્ય સરકારોની આર્થિક હાલત બગડી રહી છે, તેમનું કરજ વધી ગયું છે, વિકાસ
ખર્ચ માટે નાણાં નથી. દા.ત. દિલ્હી ત્રીસ વર્ષમાં પ્રથમ વાર મહેસૂલી ખાધમાં સરકી જશે
અર્થાત ચાલુ વપરાશી ખર્ચ કાઢવા માટે તેણે કરજ કરવું પડશે. બીજું, આવી યોજનાઓ લાભાર્થીઓની
નોંધણી અને લાભની વહેંચણીમાં ભ્રષ્ટાચાર માટે મોકળું મેદાન પૂરું પાડે છે.
રિઝર્વ
બેન્કે હમણાં રાજ્યોનાં બજેટો વિશેના અભ્યાસ લેખમાં રોકડ સહાય અને સબસિડીઓના ખર્ચમાં
થયેલા બેફામ વધારાની ટીકા કરી. તેણે ચેતવણી આપી કે રાજ્યોએ તેમના સબસિડી ખર્ચને વ્યવસ્થિત
કરવો અને કાબૂમાં રખવો જોઈએ જેથી તેને કારણે બીજો ઉપયોગી ખર્ચ બહાર ફેંકાઈ જાય. તે
અગાઉ બિનનફાલક્ષી સંસ્થા પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચે જણાવ્યું હતું કે નવ રાજ્યોએ
2024-25ના બજેટમાં મહિલાઓને રોકડ ખેરાત માટે રૂ. 1 લાખ કરોડ બાજુએ રાખ્યા હતા. શરૂઆત
કેજરીવાલે 2015માં કરી હતી. ત્યાર બાદ આ ચાલ દાવાનળની જેમ દેશભરમાં ફેલાઈ ચૂક્યો છે.
પ્રસ્તાવ ગમે એટલો વાહિયાત કે ગેરવાજબી હોય, લોકોને ગમી જાય તો બધા પક્ષોએ તેને અપનાવવો
પડે છે. રાજકારણના મેદાનમાં ટકવાનો સવાલ છે. આ તળિયા તરફની રેસ છે, પણ તેમાં પાછળ રહી
જવું કોઈ નેતા કે પક્ષને પોસાય તેમ નથી, મોદીના ભાજપને પણ નહિ. કોઈ ક્રાંતિકારી ઘટના
ન બને તો આ રેવડી કલ્ચર આપણા રાજકારણનું કાયમી અંગ બની જવાનો ભય છે. શાસ્ત્રીય દ્રષ્ટિએ
રેવડીની રણનીતિ અંધારામાં તીર મારવા જેવી છે. સરકારની આવકનો કેટલો હિસ્સો સબસિડીઓમાં
જાય છે, તેનો લાભ ખરેખર કોને મળે છે અને મત ખેંચવામાં તે કેટલે અંશે ઉપયોગી છે તેનો
વાસ્તવદર્શી અભ્યાસ થાય તો ઘણી બાબતો સ્પષ્ટ થઇ જાય. કોઈ પક્ષ આવા અભ્યાસનો વિરોધ નહિ
કરે.