• શનિવાર, 12 જુલાઈ, 2025

ઘોર બેદરકારી, પરિણામ ગંભીરા

-સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડતા આણંદ-વડોદરા વચ્ચે મુજપુર નજીક મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજના બે કટકા, 13નાં મૃત્યુ: 8થી વધુ લોકોનું રેસ્ક્યૂ : બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા નદીમાં ખાબકી

-ધરતીકંપ આવ્યો હોય  એવી રીતે પુલ ધ્વસ્ત થયો : બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડયો: વડોદરા વહીવટીતંત્ર, ગઉછિ અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા

રાજકોટ, વડોદરા, તા. 9: મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 13 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટયો છે.

આ પહેલા પણ મોરબી બ્રિજ દુર્ઘટનાએ લોકોના હચમચાવી નાખ્યા હતા. આખા દેશમાં આ બ્રિજ તૂટવાની ઘટનાના પડઘા પડયા હતા અને સરકાર જાગી હતી અને જૂના બ્રિજની તપાસણી કરી હતી. તેમ છતાં આજે ફરી એક બ્રિજ તૂટવાની ઘટના બની છે. વહેલી સવારે ગંભીરા બ્રિજનો એક ભાગ ધસી પડતાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબકી ગયા. બે ટ્રક, એક પિકઅપ વાન અને એક બાઈક નદીમાં ગરકાવ થયું હતું. એક ટ્રક બ્રિજ પર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને તેના તૂટવાથી મોટા પાયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અત્યારે કુલ 4 લોકોની હાલત વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની સાથે 100થી વધુ લોકો બચાવ કામગીરી સતત કાર્યરત છે. એટલું જ નહીં પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા 20થી વધારે એમ્બ્યુલન્સ પર ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ બાજુના મુજપુર ગામના લોકો પણ બચાવ કાર્ય માટે દોડી આવ્યાં હતા.

આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે. પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય એવો ભાસ થયો હતો, જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં હતાં, જોકે કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાને કારણે કેટલાકના જીવ બચી શક્યા હતા. 

ઋષિકેશ પટેલે કહ્યું, બ્રિજ 1985માં બન્યા પછી સમયાંતરે તેની મરામત કરવામાં આવી હતી. આ બ્રિજનું સમારકામ કરાવ્યું હતું, પરંતુ આ કમનસીબ અને દુ:ખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીએ નવો બ્રિજ 212 કરોડના ખર્ચે બનાવવા એમના તબક્કે મંજૂરી આપી હતી. તેની ટેન્ડર, એસ્ટિમેટ અને ડિઝાઇન પ્રગતિમાં હતાં.

દુર્ઘટનાના પગેલ વિપક્ષી નેતા અમિત ચાવડાએ બ્રિજની જર્જરિત હાલત પર સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત સરકારની તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા છે હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ઈસુદાન ગઢવીએ આ ઘટનાને માનવસર્જિત દુર્ઘટના ગણાવી મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે.

મૃતકોની યાદી

રમેશ રાવજીભાઇ પઢિયાર (ઉ.વ.38, રહે.મુજપુર)

વૈદિકા રમેશભાઇ પઢિયાર (ઉ.વ.4, રહે.મુજપુર)

નૈતિક રમેશભાઇ પઢિયાર (ઉ.વ.2, રહે.મુજપુર)

વખતાસિંહ મનાસિંહ જાદવ (ઉ.વ.55, રહે.કહાનવા)

હસમુખ મહીજીભાઇ પરમાર (ઉ.વ.40, રહે.હર્ષદપુરા)

રાજેશ ઇશ્વરભાઇ ચાવડા (ઉ.વ.22, રહે.દેવાપુરા)

પ્રવીણ રાવજીભાઇ જાદવ (ઉ.વ.33, રહે.ઉંદેલ)

જશુ શંકરભાઇ હરિજન (ઉ.વ.65, રહે.ગંભીરા)

કાનજી મેલાભાઇ માછી (ઉ.વ.40, રહે.ગંભીરા)

સુખ ભગવાનભાઇ વાગડિયા (ઉ.વ.32, રહે.સરસવા)

 

ગંભીરા બ્રિજ 1986માં બન્યો હતો

મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજનું બાંધકામ 1986માં કુલ 343 લાખના ખર્ચે કરાયું હતું. પુલની ઊંચાઈ 40 મીટર, લંબાઈ 859.52 મીટર, કુલ સ્પાન-23 અને એનો કેચમેન્ટ એરિયા- 30976.00 ચો.કિ.મી. છે. આ બ્રિજ લખનઉની યુ.પી. સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025