સરકારી
નિવાસસ્થાનેથી રોકડ રકમ મળ્યા પછી તપાસનો સામનો કરી રહેલા દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ
યશવંત વર્મા પાસેથી ન્યાયિક કાર્ય પાછું લઈ લેવાની સાથે જ તેમના મૂળ ન્યાયાલય અલાહાબાદ
હાઈ કોર્ટ મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે અલાહાબાદ હાઈ કોર્ટના બાર ઍસોસિયેશને જસ્ટિસ
વર્માને મોકલવાના ‘કૉલેજિયમ’ના નિર્ણયનો વિરોધ કરીને બેમુદત હડતાળની ઘોષણા કરી છે.
તેઓએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની માગણી કરી છે અને બળી ગયેલી ચલણી નોટોના
કેસની તપાસ સીબીઆઈ તથા ઈડી અથવા અન્ય એજન્સીઓથી કરવાની માગણી કરતો ઠરાવ પસાર કર્યો
છે. યશવંત વર્મા દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓની સમીક્ષા થવી જોઈએ એવી પણ માગ છે. બાર
ઍસોસિયેશને કહ્યું છે કે અલાહાબાદ હાઈ કોર્ટ ભ્રષ્ટ અને કલંકિત ન્યાયાધીશોનું ‘ડમ્પિંગ
ગ્રાઉન્ડ’ કચરાની ટોપલી નથી.
જજ
યશવંત વર્માની ટ્રાન્સફર અને અલાહાબાદ હાઈ કોર્ટ બાર ઍસોસિયેશનના વલણે ન્યાયતંત્ર અને
વકીલો આમનેસામને આવી ગયા છે. એટલું જ નહીં, અનેક સવાલો પણ ઉદ્ભવે છે. જસ્ટિસ વર્માના
સરકારી બંગલામાં આગ લાગી ત્યારે અગ્નિશમન દળના કર્મચારીઓને ત્યાંથી ચલણી નોટો ભારે
માત્રામાં મળી આવી હતી, તેમની અલાહાબાદ હાઈ કોર્ટમાં બદલી કરવાના સમાચાર આવ્યા ત્યારે
સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ટ્રાન્સફર અને રોકડ રકમને કંઈ લેવાદેવા નથી.
એમ પણ કહેવામાં આવ્યું કે હાલ ટ્રાન્સફર રોકવામાં આવી રહી છે પણ તેમને અદાલતમાં કોઈ
ન્યાયિક કામ નહીં આપવામાં આવે.
હવે
જ્યારે સત્તાવાર રીતે તેમની બદલી કરવામાં આવી છે ત્યારે તેમના કેસમાં ત્રણ ન્યાયાધીશોની
સમિતિ ગઠિત કરવામાં આવી છે તો તપાસ પહેલાં ટ્રાન્સફરનું શું ઔચિત્ય રહે છે? શું જસ્ટિસ
વર્મા જેવા કેસમાં કોઈ નોકર, અમલદાર, કારોબારી અથવા અન્ય કોઈ હોત તો શું તેની સાથે
કંઈક આવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હોત? અનુભવ તો કહે છે કે તુરંત સીબીઆઈ કે
ઈડીની તપાસ શરૂ થઈ ગઈ હોત, ધરપકડ થઈ હોત, કોર્ટમાં ઊભા કરી રિમાન્ડ માગવામાં આવી હોત.
પણ જસ્ટિસ વર્મા કેસમાં સુપ્રીમ કોર્ટનું વલણ બેવડું જણાય છે.
મહત્ત્વની
વાત એ છે કે જસ્ટિસ વર્માની બાબતમાં હજી સુધી કોઈ એફઆઈઆર કેમ નોંધવામાં નથી આવી? શું
હાઈ કોર્ટના જજનો કેસ હોવાથી આમ નથી કરવામાં આવ્યું? આના પરથી લોકોને તો એ સંદેશ જઈ રહ્યો છે કે ઉચ્ચ
ન્યાયાધીશો વિશિષ્ટ વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ તેમના સંદર્ભમાં વિશિષ્ટ કાયદા-નિયમો
કેવી રીતે હોઈ શકે? જે લોકતંત્ર અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કોઈપણ
કેસમાં ફક્ત ન્યાય થવો ન જોઈએ પણ થયો હોવાનું દેખાવું પણ જોઈએ. ન્યાયાધીશોના કેસમાં
તો ખાસ દેખાવું જોઈએ. ન્યાયતંત્ર પર આમઆદમીના વિશ્વાસનો સવાલ છે. સુપ્રીમ કોર્ટને જાણ
હોવી જોઈએ કે જસ્ટિસ વર્મા કેસમાં તેમની ભૂમિકાને લઈ સામાન્ય લોકોનો ન્યાયતંત્ર ઉપરનો
વિશ્વાસ ડગમગી રહ્યો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સ્વાયત્તતા તો જળવાવવી જ જોઈએ,
પણ ઉત્તર દાયિત્વ અને પારદર્શિતાના ભોગે નહીં. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માને અલાહાબાદ
હાઈ કોર્ટ મોકલવાના પોતાના નિર્ણયની સમીક્ષા કરવાની તાતી
આવશ્યક્તા
છે.