આભને આંબતા ટિકિટોના દર, ફ્લાઈટોનું અસ્તવ્યસ્ત સમયપત્રક, ટેક્નિકલ ખામીઓ, ગ્રાહક સેવાના નામે મોટું મીંડું અને નાગરી ઉડ્ડયનના ઇતિહાસમાં સૌથી જીવલેણ અકસ્માતોમાંથી એક આ બધું જાણે કે ઓછું હોય તેમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાડતાં પાયલોટે ગાંજાનો નશો કર્યો હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. ગયા અઠવાડિયે ચોથી અૉગસ્ટે ફુકેટથી નવી દિલ્હી આવી રહેલું વિમાન હવામાં એકાએક ત્રણસો ફૂટ નીચે સરક્યું અને તેના પગલે થયેલા ટર્બ્યુલન્સને કારણે ફ્લાઈટમાંના 24 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા. હવામાનની ખરાબ સ્થિતિ કે ટેક્નિકલ ખામીને કારણે આવું થયું હોત તો એ ક્ષમ્ય ગણાત, પણ વિમાનનો મુખ્ય પાયલોટ ગાંજાના કેફમાં હતો અને વિમાન હવામાં ઝોલા ખાવા લાગ્યું ત્યારે ફ્લાઈટનો કૅપ્ટન પણ ડોલી રહ્યો હતો. આનાથી, ઍર ઇન્ડિયાના કારભાર અને એકંદરે ઉડ્ડયન ક્ષેત્રની દશા અને દિશા સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે. વળી, આ ઘટના બની એના અનેક દિવસો પછી અહેવાલ આવ્યો કે, પાયલોટ નશામાં હતો, પણ અમદાવાદમાં ઉડાણ ભરતાં જ ક્રૅશ થયેલી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ વિશેનો રિપોર્ટ એક વર્ષ પછી પણ સામે આવ્યો નથી, એ ચિંતાની વાત છે.
ભારતીય
એવિએશન સેક્ટરમાં એક તો ઓછા ખેલાડીઓ છે અને દૂઝણી ગાયને બગાઈ ઝાઝી એ ન્યાયે મોટાભાગની
ખાનગી ઍરલાઈન્સ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. નવી ખૂલે છે એના કરતાં જૂની બંધ થતી વિમાનસેવા
કંપનીઓનો આંકડો પણ ખાસ્સો મોટો છે. છેલ્લા અઢી દાયકામાં ઓછામાં ઓછી નવ ભારતીય ઍરલાઈન્સે
વાજાં વીંટી લીધાં છે.
ટૂંકા માર્જિન, વધતો ઈંધણ ખર્ચ, નિયમનકારી બંધનો-દબાણ
તથા ગળાકાપ સ્પર્ધા વચ્ચે મર્યાદિત માનવબળથી ચાલતી સેવાઓને કારણે ખાનગી ઍરલાઈન્સથી
નાગરિકો ગળે આવી ગયા છે અને છેલ્લી ઘટનાથી તો તેમનો જીવ ગળામાં આવી ગયો છે. આ કિસ્સામાં
પાયલોટ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે અને જવાબદારી પાર પડાયાનો ગર્વ લેવાશે. પણ
આવશ્યકતા એ તપાસવાની છે કે, આવું થયું શા માટે? દેખીતી રીતે જ આ વ્યક્તિગત ભૂલ નથી,
આ સિસ્ટમની નિષ્ફળતા અને બેદરકારી જ છે. બેવાર ડૉપ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા કૅપ્ટનને
137 પ્રવાસીઓ અને આઠ ક્રૂ મેમ્બર ધરાવતી ફ્લાઈટ ઉડાડવાની જવાબદારી આપનાર તંત્રનો આમાં
વધુ વાંક છે. તપાસ સંસ્થાઓ અને નિયમનકાર તંત્ર મોટા ભાગના કિસ્સાઓમાં માત્ર કાર્યવાહી
કરે છે, સુધારણા માટેનાં પગલાં અને કડપ કે ઉત્સુકતા ક્યાંય દેખાતી નથી. લાંબા સમયથી
આ ક્ષેત્રમાં ચાલી રહેલા ટર્બ્યુલન્સને કારણે ઉદ્યોગની શાખ પણ ઝોલા ખાઈ રહી છે. હવાઈ
ચંપલ પહેરનારાઓ હવાઈયાત્રા કરતા થાય એ જરૂરી છે પણ એમાં સલામતી પણ હોય એ વધુ મહત્ત્વનું
છે.
--------