• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ઝંડા અજર, અમર રહેજે

ઉત્સવપ્રિય કહેવાયેલા ભારતના નાગરિકો સામાજિક અને ધાર્મિક ઉત્સવ તો વર્ષોથી અતિ ઉત્સાહપૂર્વક ઉજવે છે પરંતુ છેલ્લા અડધા દાયકાથી રાષ્ટ્રીય પર્વ પણ સામાજિક ઉત્સવનું સ્વરૂપ લઈ ચૂક્યા છે તેવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણીથી શરૂ થયેલી તિરંગાની પરંપરા વર્ષોવર્ષ પ્રબળ બની રહી છે. ‘હર ઘર તિરંગા’ જેવા સૂત્રો અને ‘િતરંગા યાત્રા’ જેવા આયોજન જન ગણને રાષ્ટ્ર ભાવના સાથે જોડી રહ્યા છે. આ વર્ષે પણ તિરંગા યાત્રાની તૈયારી સમસ્ત દેશમાં પૂરજોશથી ચાલી રહી છે. આ આખા આયામને માત્ર સ્થૂળ ઉજવણી કહેવી તે ભૂલ છે કારણ કે નવી પેઢી, દેશની પ્રજામાં એક ચોક્કસ લાગણી તો પ્રગટે જ છે.

2022માં દેશના 23 કરોડથી વધારે ઘરમાં તિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને 6 કરોડ લોકોએ રાષ્ટ્ર ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરી હતી. 2023માં સેલ્ફી ફોટોની સંખ્યા 10 કરોડથી પણ વધી ગઈ હતી. ધ્વજનું વેચાણ ઉત્તરોત્તર વધ્યું છે. રાજકોટમાં જ આ વર્ષે રૂા.5 લાખથી વધારે રકમના ધ્વજ ખરીદાયા છે. 2022માં 30 કરોડથી વધારે ધ્વજ આખા દેશમાં વેચાયા હોવાનો વેપારી સંગઠનોનો અંદાજ હતો. 2013-14માં 0.87 કરોડના ધ્વજ વેચાયા હતા. જ્યારે 2025-26ના વર્ષના અંતે ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાઓના ધ્વજનું વેચાણ 2.35 કરોડ હતું. અહીં રકમ કે રાશિની સંખ્યા પણ એટલી બધી મહત્વની નથી જેટલી દેશ માટે આ બાબત મહત્ત્વની છે.

15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવાતા આવ્યા છે. દિલ્હીની પરેડ, ગુજરાતમાં રાજ્ય સ્તરની કે જિલ્લા સ્તરની ઉજવણીઓ સ્કૂલમાં ધ્વજવંદન આ બધું જ ઔપચારિક રીતે થતું. મોટાભાગે આ રજામાં પારિવારિક પ્રવાસ થતા, સરકારી સ્તરે તમામ કાર્યક્રમો પહેલેથી જ ઉજવાતા આવ્યા છે પરંતુ લોક પણ આ ઉજવણીમાં સામેલ થાય તેવું વાતાવરણ નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યા પછી ઉભું થયું છે. 9 થી 17 ઓગસ્ટ ચાલતું તિરંગા અભિયાન, શહેરો અને ગામોમાં નીકળતી તિરંગા યાત્રા આબાલવૃદ્ધને રાષ્ટ્રચેતના સાથે જોડે છે એ વાત એટલી જ સાચી છે કે ફક્ત રાષ્ટ્રધ્વજને સલામી આપ્યે. રાષ્ટ્રભક્તિ વ્યક્ત ન થાય, તેના માટે દેશ કાજે કંઈક કરવું પણ જોઈએ પરંતુ તેનો અર્થ એ પણ નથી કે, જે થાય છે તે ન થાય.

રાજ્યમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓ અને તેના માટે નાગરિકો દ્વારા થતી ધ્વજની ખરીદી એ શુભ સંકેત છે. રાષ્ટ્રીય પર્વ પણ દિવાળી અને જન્માષ્ટમીની જેમ ઉજવાય તે લોકશાહીનું બળ છે. ઝવેરચંદ મેઘાણીએ ગાયું હતું,

‘તારે ક્યારે કઈક દુલારે, દિલના શોણિત પાયા,

પુત્ર વિયોગી માતાઓના નયન ઝરણ ઠલવાયા,

ઝંડા અજર, અમર રહેજે, વધ વધ આકાશે જાજે’

આ શબ્દો જાણે આખા દેશમાં અત્યારે ગુંજી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક