• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

નર્મદા તટે સિનેમાની ઉત્કૃષ્ટતાનો અવસર

ગુજરાતમાં ફક્ત વાઇબ્રન્ટ સમિટ જ યોજાય એવું નથી, અહીં વિવિધતાનો પણ અવસર ઉજવાઈ શકે છે તેવું મા નર્મદાની સાક્ષીએ સાબિત થયું. એટલે કે મહાજન જ નહીં કલાકારોનો ક્લા પ્રેમીઓનો પણ આ મલક છે એવું હિન્દી - ભારતીય સિનેમાના માંધાતાઓએ જોયું. એકતાનગરમાં આજે યોજાયેલા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ગુજરાત માટે વધુ એક મહત્વનો પડાવ પુરવાર થયા છે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં દેશના સર્વોચ્ચ ફિલ્મ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડ સહિતના પુરસ્કાર ગુજરાતમાં પ્રથમવાર અપાયા. ફિલ્મ ટુરિઝમની દિશામાં આ એક મક્કમ ડગ છે. હિન્દી સિનેમા અને ગુજરાતનો સંબંધ તો એક સદી જેટલો જૂનો છે. દાદા સાહેબ ફાળકે અને વડોદરા - સયાજીરાવ ગાયેકવાડ આ બધી વાતો તો ઘણી લાંબી છે. ભારતીય સીનેમાના વિકાસમાં ગુજરાતીઓનું પ્રદાન દિગ્દર્શક, નિર્માતાથી લઈ અભિનેતા કે લેખક સુધીનું રહ્યું છે. નામો તો અનેક છે. અહીં લખીએ તોય યાદી અધૂરી રહે. સૌએ આ ફિલ્મ ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું. આ ગુજરાતીઓ આજે બોલીવુડના યજમાન બન્યા. દિલ્હીમાં જ યોજાતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અહીં અપાયા. 1954થી શરૂ થયેલા આ એવોર્ડનો 72મો પ્રસંગ આજે અહીં ઉજવાયો. માત્ર હિન્દી સિનેમા નહીં, તેલુગુ, તમિલ, કન્નડ ભાષાની ફિલ્મોના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા. વિવિધ કેટેગરીમાં એવોર્ડ અપાયા. જેમાં ગુજરાતી ફિલ્મ મારણ પણ હતી. ફિલ્મ આમ પણ એવું માધ્યમ છે જે ભારતને એક પ્રકારે જોડે છે. ફિલ્મ પુરસ્કારનો ઉદ્દેશ્ય પણ રાષ્ટ્રની એકતાને અનુમોદન આપવાનો છે. સાંસ્કૃતિક વિભિન્નતા વચ્ચે પણ કળા - માધ્યમની ક્ષમતાની આ પરખ છે. અહીં આવેલા કલાકારો ફક્ત ગુજરાતની મહેમાનગતિ માણે છે એવું નથી. ગુજરાતના કલા વારસાથી પણ અવગત થયા. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ અગાઉની સરખામણીએ આશાનો અજવાસ દેખાયો છે. તેવા સમયે આ એવોર્ડ સમારોહ ગુજરાતને રાષ્ટ્રીય સિનેમા સાથે જોડવામાં મહત્વનો સાબિત થશે. ફિલ્મ શાટિંગ માટે તો સૌરાષ્ટ્ર, કચ્છના અનેક સ્થળો, મહેલ પ્રખ્યાત રહ્યા છે. હવે આવા મોટા સમારોહ થકી પણ ગુજરાતનું જોડાણ મજબુત બન્યું છે તેમ કહી શકાય. કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગે કરેલા આ આયોજનની નોંધ રાષ્ટ્રીય - વિશ્વ સ્તરે લેવાશે. ગુજરાત વર્ષોથી વ્યાપારમેળા થકી વેપાર ક્ષેત્રે વિશ્વને આવકારે છે. 2030માં કોમનવેલ્થ રમત ઉત્સવ થશે, આ વર્ષે ફિલ્મ પુરસ્કાર અપાયા આ પણ વિભિન્નતામાં વિશેષતા છે. રાજ્ય સરકારને તેનો શ્રેય જાય. આવા આયોજન તો ગુજરાતના ફિલ્મ ક્ષેત્ર માટે મહત્વના છે પણ મહત્વનું વધારે એ પણ છે કે પુરસ્કાર સમારોહ ક્યાંય પણ હોય, ગુજરાતી ફિલ્મ સર્જનો, ગુજરાતી સર્જકો - કલાકારો પોંખાતા રહે. પુરસ્કાર સમારોહ હવે જ્યારે અહીં યોજાશે ત્યારે પણ જ્યાં જ્યાં આવા એવોર્ડ અપાય ત્યાં ગુજરાતી ફિલ્મો - કલાકારો હોય તો આ પ્રયાસો સાર્થક થશે. ભવિષ્યમાં અહીં ફિલ્મ ઇન્ટિટયૂટ, ફિલ્મ નિર્માણ માટેના અવસરો પણ પ્રાપ્ત થશે તો આવા સમારોહનો હેતુ સરશે. આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને આપણે શરૂઆત ગણી શકીએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026