• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર

વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વમાં સતત 26માં અઠવાડિયે ઘટાડોલ : ડીઝલનો ભાવ ઓલટાઈમ હાઈ

નવી દિલ્હી, તા.22: ઈરાન યુદ્ધના કારણે દુનિયામાં ઓઈલની સપ્લાય પર ગંભીર અસર પડી છે. તાજેતરમાં રશિયન ઠેકાણાઓ પર યુક્રેનના મોટા હુમલાઓને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. ક્રૂડ ઓઈલની કિંમત હજુ પણ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર છે. તેના કારણે અમેરિકામાં ડીઝલના ભાવ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે.

અમેરિકાના સ્ટ્રેટેજિક (વ્યૂહાત્મક) પેટ્રોલિયમ રિઝર્વમાં ગયા અઠવાડિયે 4 લાખ બેરલનો ઘટાડો થયો અને તે ઘટીને 284.6 મિલિયન બેરલ રહી ગયો છે. 1982 પછીનું આ તેનું સૌથી નીચું સ્તર છે.  અમેરિકા દુનિયામાં ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ઉત્પાદક રાષ્ટ્ર હોવા ઉપરાંત સૌથી મોટો વપરાશકર્તા પણ છે. દેશના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાં સતત 26મા અઠવાડિયે ઘટાડો નોંધાતા તેનો સ્ટોક સૌથી ઊંચા સ્તર કરતાં 131 મિલિયન બેરલથી વધુ ઘટી ગયો છે. સાઉદી અરેબિયાથી સપ્લાયમાં ઘટાડો થતાં અમેરિકાએ વેનેઝુએલાથી ઓઈલની આયાત વધારી હોવા છતાં તેને પોતાના રિઝર્વમાંથી તેલ બહાર પાડવું પડી રહ્યું છે.

આ દરમિયાન અમેરિકામાં ડીઝલના ભાવ પહેલી વાર ઇતિહાસમાં પ્રતિ ગેલન 6.50 ડોલરથી ઉપર પહોંચી ગયા છે. સોમવારે અમેરિકામાં ડીઝલની સરેરાશ કિંમત પ્રતિ ગેલન 6.51 ડોલર સુધી પહોંચી ગઈ હતી. જાન્યુઆરીના નીચલા સ્તરથી તેમાં 101%થી વધુનો વધારો થઈ ચૂક્યો છે. કેલિફોર્નિયામાં ડીઝલની સરેરાશ કિંમત પ્રતિ ગેલન 8.42 ડોલર થઈ ગઈ છે, જે સમગ્ર અમેરિકામાં સૌથી વધુ છે. પેટ્રોલની સરેરાશ કિંમત પણ પ્રતિ ગેલન 4.48 ડોલર થઈ ગઈ છે, જે જાન્યુઆરીના નીચલા સ્તરની સરખામણીમાં 80% વધારે છે.

આ દરમિયાન અમેરિકા વેનેઝુએલાથી તેલની આયાત વધારી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે તેઓ દેશના રિઝર્વને ફરીથી ભરવા માટે વેનેઝુએલાના તેલનો ઉપયોગ કરશે. ગયા અઠવાડિયે વેનેઝુએલાથી અમેરિકાની કાચા તેલની આયાતમાં દરરોજ 1,83,000 બેરલનો વધારો થયો અને તે વધીને 7,82,000 બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ. ઓગસ્ટ 2017 પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક આંકડો છે. છેલ્લા 6 મહિનામાં વેનેઝુએલાથી અમેરિકાની તેલ આયાતમાં દરરોજ 5,50,000 બેરલ એટલે કે 237%નો વધારો થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક