પટણા, તા. 21 : બિહારના ભાગલપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ગંગા નદીમાં ડૂબી જવાથી છ બાળકનાં મોત થયાં છે. તમામ બાળકો કરમા-ધરમા પૂજા માટે સ્નાન કરવા નારાયણપુર દિયારા ગયા હતા. સુલતાનગંજ નગર પરિષદ વિસ્તારના વોર્ડ નંબર 27 સ્થિત વિષ્ણુ ટોલાના છ બાળક કરમા-ધરમા પૂજા નિમિત્તે સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન તમામ બાળકો ઊંડાં પાણીમાં ઊતરી ગયાં અને ડૂબી ગયાં. આ અકસ્માતમાં છ બાળકનાં મોત થયાં છે. આ ઘટના તરૈટા નારાયણપુર વહિયારની હોવાનું કહેવાય છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
તમામ બાળકો લગભગ 12 વર્ષની ઉંમરના
હતા. કરમા-ધરમા પૂજા માટે બાળકો સ્નાન કરવા પૂરનાં પાણીમાં ગયાં હતાં. આ દરમિયાન તેઓ
ઊંડાં પાણીમાં ગયાં અને ડૂબવા લાગ્યાં. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી
મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તમામ બાળકોને
પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
અકસ્માતના સમાચાર મળતાં જ મૃતક
બાળકોના પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો હતો. એક સાથે છ બાળકનાં મોતથી સમગ્ર વિસ્તારમાં
શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પૂજા નિમિત્તે બાળકો સ્નાન
કરવા પૂરનાં પાણીમાં ગયાં હતાં. પૂરનાં કારણે વિસ્તારમાં અગાઉથી જ પાણી ભરાયેલા છે.
આવી પરિસ્થિતિમાં ઊંડાં પાણીમાં જવાથી આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.