અમદાવાદ,
તા.27: છેલ્લા 34 દિવસથી ફરાર બીઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રાસિંહ ઝાલાની
સીઆઇડી ક્રાઇમ દ્વારા વિસનગરના દવાડા ગામમાંથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર
ભૂપેન્દ્રાસિંહ ઝાલાને લઇને સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર પહોંચી ગઇ છે ત્યારે તેના રિમાન્ડમાં
મોટા ખુલાસા થઇ શકે છે. અત્યાર સુધી ઝાલાને કોણે આશરો આપ્યો હતો અને આ કૌભાંડ આચરવામાં
કોનો મોટો હાથ છે તે દિશામાં તપાસનો ધમધમાટ થશે ત્યારે અનેક મોટા માથાઓની સંડોવણી બહાર
આવવાની શક્યતા સેવાય છે. છેલ્લા એક અઠવાડિયાથી સીઆઇડી ક્રાઇમ આ મામલે વ્યાપક કામગીરી
કરી રહી હતી. આજે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત સિંહ અને તેના સીએ ઋષિત મહેતાની ધરપકડ
કરાઈ હતી. ત્યાર બાદ હવે ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા પણ ઝડપાયો છે. હવે, આ તમામની પૂછપરછ
સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમાં મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ શક્યતાઓ છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં તેની શોધખોળ
કરાઈ હતી. તે છેલ્લા એક મહિનાથી ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી, પણ કોર્ટમાંથી
તેને રાહત મળી ન હતી.
ભૂપેન્દ્રાસિંહ
ઝાલા નેપાળથી દુબઇ થઇને કેરેબિયન દેશોમાં ભાગી ગયો હોવાની આશંકા સેવાઇ હતી આથી કૌભાંડના
માસ્ટરમાઇન્ડને ઝડપી પાડવા માટે પોલીસે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવાથી લઇને ટેકનિકલ
સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી.
સીઆઇડી
એડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે કંપનીના એજન્ટોએ મુખ્યત્વે નિવૃત્ત કર્મચારીઓ
અને શિક્ષકોને નિશાન બનાવ્યા હતા. શરૂઆતમાં, રોકાણ પર સારું વળતર આપીને લોકોનો વિશ્વાસ
જીતવામાં આવ્યો હતો અને પછી મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી. એજન્ટોને 5% થી 25%
સુધીનું કમિશન આપવામાં આવતું હતું.
નોંધનીય
છે કે બીઝેડ ફાઇનાન્સિયલ સર્વિસીઝ તથા બીઝેડ
ગ્રુપના સીઇઓ ભુપેંદ્રાસિંહ પરબતાસિંહ ઝાલા તથા અન્ય વિરૂદ્ધ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં
ગુનો નોંધાયો છે. જે ગુનાની તપાસ હાલ ચાલી રહેલ છે. ભુપેંદ્રાસિંહ ઝાલા દ્વારા (1)
બીઝેડ ફાઇનાન્સિયલ સર્વિસ (2) બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકીંગ પ્રાયવેટ લિમીટેડ (3) બીઝેડ
પ્રોફીટ પ્લસ (4) બીઝેડ મલ્ટી ટ્રેડ આમ કુલ 4 કંપનીઓ દ્વારા 2020થી 2024 દરમ્યાન વ્યવહારો
તપાસતા આ ચારેય કંપનીઓના 16 બેંક ખાતાઓમા રોકાણકારોએ કુલ રૂ.360,72,65,524/- નું રોકાણ
થયેલ હોવાની વિગત સામે આવી છે. આરોપી ભુપેન્દ્રાસિંહ ઝાલા પ્રથમ રોકાણકારોનો વિશ્વાસ
સંપાદન કરવા રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચું વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ
સંપાદન કરી કરોડો રૂપિયાનું રોકાણ કરાવેલ હોવાના પુરાવા સી.આઈ.ડી.ક્રાઈમને મળ્યા છે.
સીઆઇડી
ક્રાઈમની તપાસ દરમ્યાન આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાની ફકત એક જ બ્રાચમાંથી રોકડ વ્યવહારનું
ટ્રાન્જેક્શન કુલ રૂપિયા 52,000,0000/- (બાવન કરોડ) રોકડા રોકાણકારોએ આપેલ હોવાનું
સામે આવ્યું છે.
આરોપી
ભુપેન્દ્રસિહ ઝાલાએ કરોડો રૂપીયાની આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરી હવાલા કરેલાનું
સી.આઈ.ડી.ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાંથી
અલગ અલગ જગ્યાએ 17 જેટલી મિલ્કતો વસાવી છે, જે મિલ્કતોની બજાર કિંમત આશરે 10 કરોડથી
વધુની થાય છે. જે મિલ્કતો સીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ વસાવેલ વૈભવી
અને મોઘીડાટ ગાડીઓ વોલ્વોસ મર્સીડીઝ, પોર્શ તથા આરોપી મયુર દરજીની ફોર્ચ્યુનર અને હેરિયર
તમામ ગાડીઓ કબ્જે કરી છે જેની કિંમત આશરે 09 કરોડથી પણ વધારે છે.
ભૂપેન્દ્રાસિંહ
ઝાલાએ રાજકીય કારકિર્દી બનાવવા માટે અનેક રાજકારણીઓ સાથે સંબંધ રાખ્યા હતા. અવારનવાર
ભૂપેન્દ્રાસિંહ ઝાલા ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓને મળતા હતા. આ દરમિયાન અમદાવાદ
અને ગાંધીનગરના અનેક અધિકારીઓએ બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો
પણ ખુલાસો થયો છે. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે. બીઝેડ કૌભાંડની તપાસ
પર પીએમઓની પણ નજર છે.
માસ્ટર
માઇન્ડ ભુપેન્દ્રાસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં
વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં
આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં
બીઝેડ ફાઇનાન્સમાં રોકી દીધા હતા. (સમાપ્ત)