ભારત-ચીન સંબંધોની 75મી વર્ષગાંઠે
રાષ્ટ્રપતિ મુર્મૂ અને જિનપિંગનો ભાગીદારી મજબૂત કરવા સંદેશ
બીજિંગ, તા. 1 : પૂર્વી લદ્દાખ
સૈન્ય અવરોધને કારણે ચાર વર્ષથી વધુ સમય સુધી ભારત-ચીનના વણસેલા સંબંધોને ફરીથી સુધારવાના
પ્રયાસો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે જારી કરાયેલા સંદેશમાં ચીનના
રાષ્ટ્રપતિ શી જિનાપિંગે મંગળવારે ભારત અને ચીન વચ્ચેની ભાગીદારી પર ભાર મૂકતાં પરસ્પર
સિદ્ધિ અને તેમના મૂળભૂત હિતોની સેવા કરવા માટે ચીન (ડ્રેગન)-ભારત (હાથી) સાથે આવે
તે જરૂરી હોવાનું કહ્યું હતું.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા
મુજબ, ચીનના વિદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિ શીના તેમના સમકક્ષ દ્રૌપદી મુર્મુને સંદેશમાં
જિનપિંગે જણાવ્યું હતું કે, ચીન અને ભારત બંને પ્રાચીન સંસ્કૃતિઓ, મોટા વિકાસશીલ દેશો
અને વૈશ્વિક દૃષ્ટિએ દક્ષિણના મહત્ત્વપૂર્ણ સભ્યો, પોતપોતાના આધુનિકીકરણના પ્રયાસોના
નિર્ણાયક તબક્કે છે. ચીન-ભારત સંબંધોનો વિકાસ દર્શાવે છે કે, બંને પરસ્પર સિદ્ધિઓના
ભાગીદાર બનવું હોય તો ‘ડ્રેગન-એલિફન્ટ ટેંગો’ની ભાગીદારી એ સમયની માંગ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું
હતું કે, ભારત અને ચીન એ બે મોટા પાડોશી દેશો છે જે વિશ્વની એક તૃતીયાંશ વસ્તીનું ઘર
છે. સ્થિર, અનુમાનિત અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો બંને દેશો અને વિશ્વને લાભ
કરશે. આ વેળાએ ચીનના વડાપ્રધાન લી ક્વિઆંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે
અભિનંદન સંદેશાની આપ-લે કરી હતી.
જિનપિંગે એમ પણ કહ્યું હતું કે,
તેઓ સંબંધોની વર્ષગાંઠને વ્યૂહાત્મક રીતે પરસ્પર વિશ્વાસ વધારવા, વિવિધ ક્ષેત્રોમાં
આદાન-પ્રદાન અને સહકારને મજબૂત કરવા, મુખ્ય આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંચાર અને સંકલનને
વધુ ગાઢ બનાવવા, ચીન-ભારત સરહદી વિસ્તારમાં સંયુક્ત રીતે શાંતિ અને સુલેહ-શાંતિની રક્ષા
કરવા, મજબૂત અને સ્થિર સંબંધોને આગળ ધપાવવા અને વિશ્વના શાંતિપૂર્ણ સંબંધોને આગળ ધપાવવા
માટે તૈયાર છે.