• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

ભારતે પહેલા કેમ ટેરિફ ન ઘટાડયા ? : ટ્રમ્પનો ટોણો

આજનાં જવાબી ટેરિફ અમલવારીનાં દિવસને ટ્રમ્પે જાહેર કર્યો મુક્તિ દિવસ : ભારત, ચીન સહિતનાં દેશોને અમેરિકાએ ગણાવ્યા ડર્ટી-15

નવી દિલ્હી, તા.1: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવતીકાલનાં દિવસ એટલે કે તા.2 એપ્રિલને મુક્તિ દિવસ જાહેર કર્યો છે. ભારત અને ચીન સહિતનાં તમામ દેશો ઉપર આવતીકાલથી અમેરિકાનું પ્રશાસન રેસિપ્રોકલ એટલે કે જેવા સાથે તેવા ટેરિફ-ટેક્સ વસૂલવાની શરૂઆત કરશે. આવતીકાલનાં અનુસંધાને ટ્રમ્પે ભારતને ટોણો મારતા એક મહત્ત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, ભારત હવે અમેરિકી સામાન ઉપર ટેક્સ ઘટાડવા જઈ રહ્યું હોવાનું સાંભળવા મળે છે. મારો સવાલ જ એ હતો કે તો પછી આવું બહુ પહેલા શા માટે કરવામાં ન આવ્યું? ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, અમેરિકાનાં ટેરિફ વધારવાનાં નિર્ણયથી અનેક દેશોની નીતિમાં સુધારો આવવાનો છે.

ટ્રમ્પને મીડિયા તરફથી એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, બુધવારથી ટેરિફમાં વધારો થઈ જશે. તો શું આનાં હિસાબે અન્ય દેશો ચીની ભણી નહીં ખેંચાઈ જાય? જેનાં જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આવું નહીં બને. તેનાં બદલે બધા દેશો પોતાની કરનીતિને વધુ સારી બનાવશે. વર્ષોથી આ દેશોએ અમેરિકા ઉપર મનસ્વી વેરા લાદેલા હતાં અને હવે તેઓ આમાં સુધારા કરશે.

અમેરિકાનાં જવાબી ટેક્સ આવતીકાલથી લાગુ થવાનાં છે અને ટ્રમ્પ પ્રશાસનનાં અધિકારીઓનાં કહેવા અનુસાર આનાં પહેલા નિશાન અમુક એવા ચુનંદા દેશો હશે જેની સામે અમેરિકાનાં વ્યાપારમાં ખાધ છે. આ દરમિયાન અમેરિકાનાં ટ્રેઝરી મંત્રી સ્કોટ બેસેન્ટે તો ડર્ટી-1પ નામે એવા દેશોની યાદી પણ જાહેર કરી છે જે અમેરિકા 1પ ટકા જેટલી વ્યાપાર ભાગીદારી ધરાવે છે પણ અમેરિકાની ચીજો ઉપર ભારેખમ વેરા વસૂલે છે. આ ડર્ટી-1પ દેશમાં ચીન, યુરોપીય સંઘ, મેક્સિકો, વિયતનામ, આયર્લેન્ડ, જર્મની, તાઈવાન, જાપાન, દક્ષિણ કોરિયા, કેનેડા, થાઈલેન્ડ, ભારત, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ, મલેશિયા અને ઈન્ડોનેશિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક