• શનિવાર, 05 એપ્રિલ, 2025

ચોટીલા, થાનગઢમાં વિસ્ફોટક પદાર્થના વિક્રેતાઓના ગોડાઉનમાં તંત્રના દરોડા

96 લાખના મુદ્દામાલને સીઝ, ઝાલાવાડમાં ગેરકાયદે ખનીજ ખનન ઉપર રોક લાવવા કાર્યવાહી

ચોટીલા, તા.1 : ચોટીલા, થાનગઢ વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થના વિક્રેતાઓનાં ગોડાઉન ઉપર પ્રાંત અધિકારી અને મામલતદારો સહિતની ટીમે દરોડા પાડી રૂ.96 લાખથી વધુના જથ્થો સીઝ કર્યો હતો. આ સાથે સાત ગોડાઉનને સીલ મારતા પરવાનેદારો અને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

તાજેતરમાં થાનગઢના જામવાળી, રૂપાવટીના ભડુલા વિસ્તારમાં કાર્બોસેલ કોલસાનાં 247 જેટલા મોતના કૂવા જેવા ખાણ રૂપી ખાડાઓ પકડાયા હતા. જેનાં ખોદાણમાં મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ વપરાયો હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું આવી સ્થિતિમાં ગેરકાયદે ખનીજ ખનન નાબુદ કરવા ચોટીલા પ્રાત અધિકારી એચ. ટી. મકવાણા દ્વારા મામલતદાર પી.બી.જોષી, નિલેશ પટેલ તેમજ તાબેના સ્ટાફની ટીમ બનાવી આજે વિસ્ફોટક પદાર્થનું વેચાણ કરતા પરવાનેદારોનાં ગોડાઉન ઉપર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેના પગલે દોડધામ મચી હતી.

તપાસનીશ અધિકારીઓએ એક્સપ્લોઝીવ પદાર્થના વેચાણ અને સંગ્રહ ક્ષમતા મંજૂરી અંગેના ધારાધોરણ અને સલામતીનાં સાધનો અંગે તપાસણી કરતા નાવા, મેવાસા, ચોટીલા, અને મેવાસા ગામે આવેલા ગોડાઉનમાં કડક કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ખાણ અને કૂવામાં ભડાકા કરવા માટે વપરાતા જીલેટીન અને કેપના મેગેઝિન (ગોડાઉન)માં ક્ષતિઓ અને ગેરરીતિઓ જોવા મળી હતી તેમજ જોખમી પદાર્થના જથ્થાના ગોડાઉનમાં નિયમ મુજબના સાધનો સહિતનો અભાવ જોવા મળ્યો હતો. કોઈ પણ સ્થળે સિક્યુરિટી ગાર્ડ નહોતા. તેમજ સુર્યાસ્ત પહેલા અને પછીના સમયનાં વેચાણ અંગે કોઇ પુરાવાઓ રજૂ ન થતા ચાર ગોડાઉનમાં રહેલા ડિટોનેટર, સોલાર કોર્ડ, સહિત રૂ. 67,73,080 ના મુદ્દામાલને સીઝ કરી ગોડાઉને સીલ મારવામાં આવ્યા હતા. હાલ અનિરુદ્ધાસિંહ પ્રવિણાસિંહ ઝાલા, જાડેજા ધ્રુવરાજાસિંહ અશ્વિનીકુમાર તેમજ પી.ડી.રાવલના ગોડાઉનમાં જથ્થો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આજે

મંગળવારના પણ વિસ્ફોટક જથ્થા અંગે તંત્ર દ્વારા તપાસ થઇ હતી. જેમાં ચોટીલા, જાનીવડલા અને થાનગઢનાં ગુગલીયાણા ગામે દિલીપભાઇ સામતભાઈ ધાધલ, મયુરાસિંહ ધર્મેન્દ્રાસિંહ રાઠોડ અને પંકજભાઈ જૈનના ગોડાઉનમાં રૂ. 29, 05,419નો જથ્થો સીઝ કરી ગોડાઉનને સીલ મારવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક