અજાણ્યા
લુટારુ-હત્યારાઓની શોધખોળ
રાજકોટ/સુરેન્દ્રનગર,
તા.ર8 : પાટડી તાબેના વડગામે એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં ઘૂસી અજાણ્યા લુટારુઓએ વૃદ્ધાની
હત્યા કરી સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે અજાણ્યા
શખસો સામે હત્યા-લૂંટનો ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, પાટડી તાબેના વડગામે રહેતા શાંતીબેન શંકરભાઈ ડોડિયા નામના વિધવા વૃદ્ધા
રાત્રીના ઘરમાં સૂતા હતા ત્યારે અજાણ્યા લુટારુઓ ત્રાટક્યા હતા અને શાંતીબેનની હથિયારના
ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને કાન કાપી નાખી સોનાની કડીઓ અને વારિયા તેમજ હાથમાં
પહેરેલ સોનાના પાટલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
દરમિયાન
પડોશમાં રહેતી પુત્રવધૂ નબુબેન ઈશ્વર ડોડિયા વહેલી સવારે સાસુ શાંતીબેનને ચા-પાણી અને
નાસ્તો દેવા આવી હતી અને ખાટલામાં ચાદર ઓઢીને સુતેલ સાસુ શાંતીબેનને ઉઠાડવા ચાદર ખેંચતા
ચોંકી ઉઠી હતી અને ખાટલામાં સાસુ શાંતીબેનની હત્યા કરાયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી
આવી હતી. આ અંગેની જાણ થતા મૃતક શાંતીબેનનો પુત્ર ઈશ્વર તથા અન્ય પરિવારજનો અને પોલીસ
કાફલો તેમજ ગ્રામજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ બનાવ
અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક શાંતીબેનના પતિ શંકરભાઈનું અવસાન થઈ ગયું હતું.
એક પુત્રી સાસરે છે અને એક પુત્ર નજીકમાં રહેતો હતો અને બીજો પુત્ર ગામમાં રહેતો હતો
અને મૃતક શાંતીબેન એકલા રહેતા હતા. રાત્રીના કોઈ જાણભેદુ કે લુટારુઓ લૂંટ-ચોરીના ઈરાદે
ખાબક્યા હતા અને શાંતીબેન જાગી જતા ઝપાઝપી થયા બાદ હત્યા કરી અને લૂંટ ચલાવી ફરાર થઈ
ગયા હતા. પોલીસે અજાણ્યા શખસો સામે હત્યા-લૂંટનો ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન
કર્યા હતા.