• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

સુરતમાં બે દીકરીની હાજરીમાં પતિએ ચપ્પુના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી કામ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો : હેવાન પતિની ધરપકડ

સુરત, તા.29: સુરતના પતિએ પત્નીની હત્યા કરી હોય તેવી બીજી ઘટના બની છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં સુતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેંસી નાખી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. પોલીસે આખરે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. 

મળતી માહિતી મુજબ સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં જયસુખભાઈ વાણિયા પરિવાર સાથે રહે છે. તેઓએ તેમની પત્ની નમ્રતાબેનની હત્યા કરી નાંખી હતી. મોડી રાતે કામ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ ચપ્પુ લઈને ગળાના ભાગે ઘા માર્યા હતા જેમાં ગંભીર ઈજાના પગલે નમ્રતાબેનનું મૃત્યુ થયું હતું

ચકચારી આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં અગાઉ પણ બે દિવસ પહેલા તેઓની વચ્ચે તકરાર થઇ હતી અને ગત રાતે ફરીથી તકરાર થતા જયસુખભાઈએ તેની પત્નીની હત્યા કરી નાંખી હતી. દંપતીને સંતાનમાં બે દીકરી છે. જયારે નમ્રતાબેન કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  સંયુક્ત કુટુંબમાં રહેતો પરિવાર જમ્યા બાદ પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયો હતો. પરંતુ રાત્રે નમ્રતાબેન અને તેમના પતિ જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રીના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીઓની હાજરીમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. જે પછી રૂમ પણ લોહીલુહાણ થઈ ગયો હતો. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બુમાબુમ કરી મુકી હતી. 

પરિવારના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીનું કામ કરતાં હતા, બાકી નવરા બેસી રહેતા. સાથે જ તેમને દારૂ પીવાની પણ ટેવ હતી. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોળી વેચવાની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. મોટાભાગે પતિ કામ પર ન જતા હોવાના કારણે બન્ને વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ ઉપરાંત  નમ્રતાબેનને સાસરિયાઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. 

રાત્રે આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની પોલીસને જાણ કરતાં પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક