11 હજાર લોકો પાસે રોકાણ કરાયું’તું
: ત્રણ ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું હતું :
કબજે લેવાયેલા આઠ મોબાઇલ સંદર્ભે તપાસ
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 30 : બીઝેડ કૌભાંડના
મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રાસિંહ ઝાલા દ્વારા પોન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી
રોકાણ કરાવવામાં આવ્યું છે. આરોપી રોકાણકારોને કેવી લાલચ આપતો હતો તેની તપાસ કરવામાં
આવી રહી છે. સાથે જ 100 જેટલા રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100
કરોડની મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેના સગા સંબંધીઓની મિલકતની પણ
તપાસ કરવામાં આવી છે એમ સીઆઇડીક્રાઈમના ડીઆઈજી પરિક્ષિત રાઠોડે જણાવ્યુ હતુ.
ઠગબાજ ભૂપેન્દ્રાસિંહ ઝાલાની
ધરપકડ બાદ સીઆઇડી ક્રાઈમ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં સીઆઈડી
ક્રાઈમ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે તેઓને આ કેસમાં મહત્વની કડીઓ મળી છે. કુલ
100 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે લોકોને આ મામલે સામેથી નિવેદન આપવું
હોય તેઓ પણ સામેથી આવી શકે તેવું સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોપી
દ્વારા 100 કરોડની મિલકત વસાવવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે
જ તેના સગા સંબંધીઓની મિલકતો પણ તપાસ કરવામાં આવી રહી છે. 6000 કરોડની ફરિયાદ થઇ પણ
450 કરોડનું પગેરૂ મળ્યું છે. ડિજિટલ કરન્સીને લઈને જે વાતો સામે આવી હતી તેને લઈને
સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે આ એક તપાસનો વિષય છે. જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી રાજસ્થાનમાં છેલ્લા 15 દિવસથી ત્યાં
જ રોકાયો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે
જે ફાર્મ હાઉસમાંથી તે ઝડપાયો હતો તે ફાર્મ હાઉસના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી
રહી છે. આરોપી શરૂઆતમાં માહિતી છુપાવી રહ્યો હતો. જોકે ધીરે ધીરે હવે તે બધી માહિતી
આપી રહ્યો છે. આરોપી એક મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો. જેથી આ મુદ્દે સીઆઈડી
ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે જો તે મહિલા અધિકારીનો પણ આ કૌભાંડમાં કોઈ હાથ હશે
તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત જેટલા એજન્ટો દ્વારા સૌથી
વધારે રોકાણ કરાવવામાં આવ્યું છે અને તેમનો જે પણ રોલ છે તેને લઈને તે એજન્ટો સામે
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી જેટલા પણ ડોંગલ યુઝ કરતો હતો તેને લઈને તેના
ઘરના, તેની ઓફિસના સ્ટાફના દરેક લોકોની તપાસ કરવામાં આવશે. આ સિવાય 3 ક્રિકેટરો દ્વારા
રોકાણ કરવામાં આવ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે. જેમાં એક ક્રિકેટર દ્વારા
10 લાખની આસપાસનું રોકાણ કરવામાં આવ્યું છે.જ્યારે એક ક્રિકેટરે 25 લાખ સુધીનું રોકાણ
કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જરૂર પડશે તો તેમને પણ તપાસમાં બોલાવાશે.
કુલ 10 જેટલા લોકોએ 1 કરોડ કરતા
વધારે રૂપિયા રોક્યા હતા તેવી માહિતી સામે આવી છે. આવું રોકાણ કરનારાના નામ પોલીસને
મળ્યા છે.કૌભાંડી ભૂપેન્દ્રાસિંહ મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો. સીઆઈડી ક્રાઈમે
જણાવ્યું કે આ કેસમાં અગત્યના મુદ્દાઓમાં તેના એકાઉન્ટ મુદ્દે તપાસ કરવામાં આવી રહી
છે. જેટલા પણ રોકાણકારો છે, તેમની પાસેથી આરોપી કેવી રીતે લાભ મેળવ્યો. જે પણ ટ્રાન્ઝેક્શન
આરોપીએ કર્યું હતું તેમાં તેમના ઓફિસના કર્મચારી અને સીએનો રોલ કેટલો છે તેને લઈને
પણ તપાસ કરવામાં આવશે.
સીઆડી ક્રાઇમ બ્રાન્ચના વડા પરીક્ષિતા
રાઠોડે વધુમાં જણાવ્યું કે, અલગ અલગ 7 બેંક ખાતામાંથી વ્યવહારો થયા હતા. 11,000 રોકાણકારોએ
રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં 95 કરોડ રૂપિયા હજુ લોકોને પરત નથી
મળ્યા. બીઝેડ ગ્રુપ કૌભાંડને લઇ અમારી અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે.
આરોપીએ રોકાણકારોને લલચાવવા પેમ્ફલેટ
બહાર પાડયા હતા. સાથે જ તેની વેબસાઈટ પર તેણે એડ કરી હતી. ઉપરાંત કોઈ 5 લાખનું રોકાણ
કરે તો તેને મોબાઈલ આપવામાં આવતો, કે પછી ટીવી કે કોઈ મોંઘી વસ્તુ આપવામાં આવતું. એજન્ટો
રોકાણકારો લઈને આવે તેમને પણ અમુક ટકા પર કમિશન આપવામાં આવતું હતું. આરોપીની ધરપકડ
બાદ તેની પાસેથી કુલ 8 મોબાઈલ મળી આવ્યા હોવાનું સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં
આવ્યું છે. જે દરેક મોબાઈલની પણ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાનમાં સીઆઇડી ક્રાઈમે પ્રાંતિજમાં
ધામા નાખ્યા છે. પ્રાંતિજમાં રાતોરાત બીઝેડઓફિસનું બોર્ડ ઉતરી ગયું છે અને સીઆઇડીક્રાઈમે
આસપાસની દુકાનદારોના નિવેદન લીધા છે, તેમજ બીઝેડની ઓફિસ ફરી ખોલીને તપાસ હાથ ધરી છે.
આરોપી એજન્ટ નિકેશ પટેલ હાલ ફરાર છે અને નિકેશ પટેલ પ્રાંતિજ બ્રાંચનું સંચાલન કરતો
હોવાની વાત સામે આવી છે.