• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

ઠંડા પવન ફૂંકાતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી યથાવત : નલિયા 6.5, ગિરનાર 6.8

રાજ્યમાં એક સપ્તાહ કડકડતી ઠંડીની સંભાવના : ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધશે

અમદાવાદ, તા. 30 : રાત્રે અને સવારના સમયે ઠંડા પવનો ફૂકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજે રાજકોટ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં લઘુતમ પારો ગગડતાં અને ઠંડા પવનો ફૂંકાવાથી ઠંડી અનુભવાઈ હતી. સર્વત્ર મંદ ગતિથી પવન ફૂંકાઇ રહ્યો હોવાથી આખો દિવસ ઠંડક સાથે શિયાળાની જમાવટ થઇ રહી છે. આજે કચ્છનાં નલીયામાં 6.પ, ગીરનાર 6.8, ભુજ 10.8, રાજકોટમાં 11, અમરેલીમાં 14.ર ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહમાં પણ ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી છે.

આગામી સપ્તાહને લઇ હવામાન વિભાગે હવામાનની આગાહી કરી છે. જેમાં આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે અને વાતાવરણ શુષ્ક રહેશે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાઇ રહ્યો છે. ત્યારે વર્ષના અંતે વધતી જતી ઠંડીને લઇ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે.

હવામાન નિષ્ણાતોના અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહીં વરસે ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે.

જૂનાગઢ: સોરઠમાં કાતિલ ઠંડીનું મોજું છવાતા જનજીવન ઠંડીમાં ઠૂઠવાઇ રહ્યું છે. જૂનાગઢમાં તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં તાપમાન 6.8 ડિગ્રી રહેતા લોકો ઠંડીમાં થરથરી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક