રાજકોટ, તા.30 (ફૂલછાબ ન્યૂઝ)
: ઠંડીનું જોર છેલ્લાં પંદરેક દિવસથી વધ્યું છે. પાછલા એક સપ્તાહથી ઠંડી કાતિલ બની
છે ત્યારે રવી પાકોને ભરપૂર ફાયદો મળી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદ સારાં છે, જળસ્ત્રોત
છલોછલ છે ત્યારે શિયાળુ વાવેતરમાં પણ ખેડૂતોએ પાછું વળીને જોયું નથી. ગુજરાતમાં 46
લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ છે જે સરેરાશના 100 ટકા છે. જોકે પાછલા વર્ષથી 3 ટકા વધારે
રહ્યું છે.
ઘઉં, મકાઇ, જીરું, સુવા, ઇસબગુલ,
બટાટા, ડુંગળી અને લસણના વાવેતર સરેરાશની તુલનાએ 100 ટકા કરતા વધારે થઇ ગયા છે. જોકે
શિયાળાના મુખ્ય કઠોળ ચણાનું વાવેતર પાછલા વર્ષથી ખાસ્સું વધીને હવે સરેરાશ જેટલું થવા
જઇ રહ્યું છે. ઘઉંમાં પણ સારી પ્રગતિ થઇ છે.
ગુજરાતમાં ઘઉંનું વાવેતર 13 લાખ
હેક્ટરને સ્પર્શી ગયું છે. જે પાછલા વર્ષ કરતા એકાદ લાખ હેક્ટર વધારે છે. સરેરાશ વાવેતર 12.64 લાખ હેક્ટરમાં રહેતું હોય છે.
જુવારનું વાવેતર 21 હજાર સામે
12 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. મકાઇની વાવણી 1.29 લાખ હેક્ટર રહ્યું છે જે ગયા
વર્ષમાં 1.11 લાખ હેક્ટર હતુ. જ્યારે ચણાનો વાવેતર વિસ્તાર 8.17 લાખ હેક્ટર રહ્યો છે.
જે પાછલા વર્ષમાં 6.23 લાખ હેક્ટરમાં રહી હતી. સરેરાશ વાવેતર 8.32 લાખ હેક્ટરમાં રહેતું
હોય છે. ચણાના ભાવ ઉંચા મળવાથી વાવણી વધી છે. રાયડાનો વિસ્તાર 2.54 લાખ હેક્ટર છે,
જે પાછલા વર્ષમાં 2.75 લાખ હેક્ટર હતુ. તેલિબિયાંના ભાવ નીચાં રહેતા વાવેતર વિસ્તારમાં
ઘટાડો થયો છે. શેરડીનું વાવેતર 1.68 લાખ હેક્ટરમાં છે, જે અગાઉના વર્ષે 1.79 લાખ હેક્ટર
હતું. તમાકુનું વાવેતર 1.52 લાખ હેક્ટરમાં છે.
જીરૂનો વિસ્તાર 4.64 લાખ હેક્ટર
છે, અગાઉના વર્ષમાં 5.52 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ધાણાનો વિસ્તાર 1.25 લાખ
હેક્ટર છે, જે વધ્યો છે. લસણના ભાવ ખૂબ ઉંચા છે એટલે વાવેતર સવાયા છે. 13 હજાર હેક્ટર
કરતા વધારે વાવેતર થઇ ગયા છે. સુવાનું વાવેતર 18 હજાર હેક્ટર થયું છે.
ડુંગળીનો વાવેતર વિસ્તાર 90 હજાર
હેક્ટર છે, જે અગાઉના વર્ષમાં 67 હજાર હેક્ટર રહ્યું હતુ. ડુંગળીમાં તેજીનો લાભ લેવા
માટે ખેડૂતોએ રોપલીનું ખૂબ વાવેતર કર્યું છે. બટાટાનો વિસ્તાર પણ 17 ટકા વધી ગયો છે.
પાછલા વર્ષમાં 1.34 લાખ હેક્ટર હતો. આ વર્ષે વાવેતર 1.54 લાખ હેક્ટરમાં થયું છે.